રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં તહેવાર નિમિત્તેનો જથ્થો હજુ પહોંચ્યો નથી
જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થઈ ગયા બાદ પણ ગરીબ કાર્ડ ધારકોને વધારાની ખાંડ, તેલ હજુ નસીબ થઈ નથી
રાજકોટ શહેર-જિલ્લાના અસંખ્ય કાર્ડ ધારકોને હજુ પણ તહેવાર નિમિત્તે વધારની ખાંડ તેમજ તેલનો જથ્થો હજુ સુધી મળ્યો નથી. તાજેતરમાં સસ્તા અનાજન વેપારીઓની હળતાલના પગલે અને તહેવારોને ધ્યાનમાં રાખી નિગમના ગોડાઉનમાંથી સોમવારથી જથ્થો દરેક સસ્તા અનાજના વેપારીઓને ત્યાં પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અડધા રાજકોટમાં હજુ સુધી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તેનો વધારાની ખાંડ તેમજ લિટર તેલ ન મળતા કાર્ડ ધારકો દુકાનો ઉપર ધક્કા ખાઈ રહ્યા છે અને વેપારીઓને જવાબ આપવો મુશ્કેલ પડતાં ના છૂટકે દુકાનો બંધ રાખવાની ફરજ પડે છે.
રાજકોટ શહેરના સસ્તા અનાજના વેપઆરીઓમાંથી મળેલી માહિતી અનુસાર દર મહિનાની તા.15મી સુધીમાં અનાજ મળી જાય છે. આ વખતે તહેવાર નિમિત્તેના વધારાના જથ્થા માટેની પરમિટ જનરેટ થઈ ગયા બાદ તેના નાણાં પણ ભરી દીધા છે આમ છતાં સપ્ટેમ્બર મહિના પેટે કે જન્માષ્ટમી તહેવારનો બાકી રહેલો અનાજનો જથ્થો હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ એનએફએસએ કાર્ડ ધારકોને મફતમાં વિતરણ કરવા માટેના અનાજના ઘઉ, ચોંકા, બાજરો બે દિવસ પહેલા દુકાને આવ્યો છે જ્યારે કાર્ડ ધારકોને વિતરણ કરવા માટેનો તેલ, મીઠું, ખાંડ નિગમના ગોડાઉનમાંથી દુકાન સુધી જથ્થો પહોંચ્યો નથી.