પોશ-પછાત-ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો ત્રિકોણ’: ૯૨ દિ’માં ૧૭ ચોરી: દારૂ-જુગારના કેસનો ઢગલો
માલવિયાનગર પોલીસ મથકનો એક્સ-રેપંચવટી, એસ્ટ્રોન સહિતની સોસાયટી ઉપરાંત અમીન માર્ગ જેવા
ક્રિમ’ એરિયા તો સમ્રાટ, ઉદ્યોગનગર, ગોકુલનગર અને મણિનગર જેવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘેરાયેલું પોલીસ સ્ટેશન
ખોડિયારનગર-આંબેડકરનગરમાં દેશીના ભઠ્ઠા' પર
બ્રેક’ લગાવવા કરવી પડતી ખાસ્સી મહેનત !
૨૩ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ત્રણ મહિનામાં ૧૭ ચોરી જેમાંથી ૧૦ હજુ વણઉકેલાયેલી
વોઈસ ઓફ ડે' દ્વારા શહેરના દરેક પોલીસ મથક વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, ત્રણ મહિનાની અંદર ત્યાં નોંધાયેલા ગુન્હાનો ગ્રાફ, સૌથી વધુ ગુન્હા કેવા પ્રકારના નોંધાઈ રહ્યા છે, કેટલા ગુન્હાનો ઉકેલ આવ્યો છે, ઉકેલ નથી આવ્યો તો શા માટે નથી આવ્યો તે સહિતની વિગતો સાથેનો એક્સ-રે કાઢવામાં આવી રહ્યો છે જેમાં આજના અંકમાં પોશ, પછાત અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો
ત્રિકોણ’ ધરાવતાં માલવિયાનગર પોલીસ મથકનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
પોશ વિસ્તાર હોવાને કારણે સ્વાભાવિક રીતે અહીં ચોરીના બનાવો વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે ૯૨ દિવસની અંદર અહીં ૧૭ ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો છે જેની સામે પોલીસ અત્યાર સુધીમાં માત્ર સાત ચોરીના ભેદને જ ઉકેલી શકી છે અને ૧૦ હજુ પણ ઉકેલાવાની બાકી છે !
આ ઉપરાંત માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં દારૂ-જુગારના કેસનો ઢગલો થઈ રહ્યો હોવાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી દેખાઈ રહ્યું છે. અહીં જૂલાઈથી સપ્ટેમ્બર સુધીના ૯૨ દિવસમાં જુગારના ૧૫ અને દારૂની હેરાફેરીના ૮૧ કેસ નોંધાયા છે. આ જોતાં અહીં બેનંબરીયાઓ વધુ એક્ટિવ' રહેતા હોવાનું ફલિત થઈ રહ્યું છે.
આ પોલીસ મથક વિસ્તારના તાબામાં ૨૩ ચોરસ કિલોમીટર વિસ્તાર સમાવિષ્ટ છે. અહીં પંચવટી, એસ્ટ્રોન સોસાયટી ઉપરાંત અમીન માર્ગ જેવા
ક્રિમ’ એરિયા પણ આવેલા છે જ્યાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વ્યવસાયિકો વસવાટ કરી રહ્યા છે. આ જ રીતે માલવિયાનગર પોલીસ મથકની હદમાં સમ્રાટ, ઉદ્યોગનગર, ગોકુલનગર અને મણિનગર જેવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આવેલો છે તો ખોડિયાનગર, આંબેડકરનગર સહિતના પછાત એરિયા પણ અહીં જ આવેલા હોવાથી આ ત્રિકોણીય' વિસ્તારની સચોટ સુરક્ષા કરવાનો પડકાર માલવિયાનગર પોલીસ મથક ઝીલી રહ્યું છે.
પાછલા થોડા મહિનાઓમાં જે ચોરીઓ થવા પામી છે તે પૈકીની મહદ અંશની ચોરીઓ માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં જ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દિવાળીના તહેવારોમાં કોઈના ઘરની
સફાઈ’ ન થઈ જાય તે માટે મા.નગર પોલીસે અત્યારથી જ તૈયારી રાખવી પડશે.