પોલીસ કમિશનર સવાલોથી મુંઝાયા: ચાલું પત્રકાર પરિષદે હાથ જોડી રવાના !
કઈ સંસ્થા પાસેથી અભિપ્રાય લઈને પોલીસે ગેઈમ ઝોનને મંજૂરી આપી, ચાર-ચાર વર્ષ સુધી ગેઈમ ઝોન ધમધમતો રહ્યો છતાં કેમ ચેકિંગ નહીં સહિતના પ્રશ્નોનો મારો
ટીઆરપી ગેઈમ ઝોનની દૂર્ઘટના અંગે અધિકારીઓ દ્વારા જવાબદારીની એકબીજા પર ફેંકાફેંકી કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના અંગે તંત્રમાં રહીને વિલનની ભૂમિકા કોણ ભજવી રહ્યું હતું તેને લઈને જેટલા મોઢા એટલા દાવાઓ અને વાતો થઈ રહી છે. આ ઘટનામાં ૩૧થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે રાજકોટ જ નહીં આખું ગુજરાત ગમગીન બની ગયું છે. દરમિયાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આરોપીઓ સામે કરેલી કાર્યવાહીની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજી હતી જેમાં એક પછી એક `અણિયાળા’ સવાલો પૂછાવાનું શરૂ થતાં જ તેમણે ચાલું પત્રકાર પરિષદે હાથ જોડીને રવાના થવું પડ્યું હતું !!
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને પત્રકારો દ્વારા ઘટના અંગે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને પોલીસ દ્વારા ટીઆરપી ગેઈમ ઝોનને સરકારની કઈ કઈ સંસ્થા પાસેથી અભિપ્રાય લઈને મંજૂરી આપી હતી ? આ પ્રશ્ન પૂછાતાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે આ અંગે આરએન્ડબી તેમજ યાંત્રિક વિભાગ પાસેથી અભિપ્રાય મેળવાયો હતો. આ પછી ચાર વર્ષથી ગેઈમ ઝોન ધમધમી રહ્યો હતો છતાં પોલીસ દ્વારા ચેકિંગ કેમ કરવામાં ન આવ્યું તેવો સવાલ પણ પૂછાતાં પોલીસ કમિશનર મુંઝાયા હતા. આ પછી પ્રશ્નો તો પૂછાયા પરંતુ તેના સુવ્યવસ્થિત જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું અને સવાલોનો મારો યથાવત જ રહેતા હાથ જોડીને તેઓ રવાના થઈ ગયા હતા.