અટલ સરોવરનો પાર્ટી પ્લોટ લગ્ન માટે ભાડે અપાશે
દરરોજ બે વખત થશે ફાઉન્ટેન-શો': ૪૨ દુકાનોની
અલાયદી’ ફૂડકોર્ટ તૈયાર કરાશે: ૧ મેથી એન્ટ્રી ફી ૨૦ રૂપિયા: ફેરિસ વ્હીલ સહિતની રાઈડ કરાશે શરૂ
જૂનના અંત સુધીમાં તમામ રાઈડસ ચાલું કરી દેવા કવાયત: અટલ સરોવર સુધી પહોંચવા સિટી-બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા
રાજકોટીયન્સ માટે શહેરની ભાગોળે રૈયા સ્માર્ટ સિટીમાં અટલ સરોવર તૈયાર કરવામાં આવી રહ્યું છે જ્યાં ૧ મેથી લોકો ફરવા માટે જઈ શકશે. અટલ સરોવર આમ તો ઘણા સમયથી તૈયાર થઈ રહ્યું છે જેને એક સપ્તાહ બાદ કોઈ પ્રકારના તાસીરા વગર ખુલ્લું મુકી દેવામાં આવશે. બીજી બાજુ ૧ મેથી અટલ સરોવરમાં લોકોને શું શું સુવિધા મળશે તેના ઉપર પણ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે.
મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે અટલ સરોવર પાસે જ એક વિશાળ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે જે લગ્ન સહિતના પ્રસંગો માટે ભાડેથી અપાશે મતલબ કે અહીં લોકો પોતાનો પ્રસંગ યાદગાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. અત્યારે આચારસંહિતા લાગુ હોવાને કારણે પાર્ટીપ્લોટનું ભાડું નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ જેવી આચારસંહિતા ઉઠી જાય કે તુરંત જ ભાડું નક્કી કરી લોકોને ભાડે આપી દેવામાં આવશે.
આ ઉપરાંત અટલ સરોવર ખાતે ૧ મેથી દરરોજ બે વખત ફાઉન્ટેન-શો મતલબ કે કલરફૂલ ફૂવારાનો શો યોજાશે જેનો ટિકિટ દર હવે નક્કી કરવામાં આવશે. આ જ રીતે ફેરિસ વ્હીલ રાઈડનો આનંદ પણ ૧ મેથી લોકો માણી શકશે જેના માટે પણ ટિકિટ લેવાની રહેશે.
ફરવા માટેનું સ્થળ હોય એટલે ત્યાં ફૂડ કોર્ટ હોવી જરૂરી બની જાય છે એટલા માટે મહાપાલિકા દ્વારા અટલ સરોવરની અંદર ૪૨ દુકાનો બનાવવામાં આવી છે જેની આચારસંહિતા બાદ હરાજી કરીને અલાયદી ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવશે. ૧ મેથી અટલ સરોવરની એન્ટ્રી ફી ૨૦ રૂપિયા વસૂલવામાં આવશે. ટિકિટનો દર ટેન્ડરની શરતના આધારે નક્કી કરવામાં આવ્યો હોવાથી તેમાં આચારસંહિતા નડશે નહીં. એકંદરે જૂનના અંત સુધીમાં તમામ રાઈડસ ચાલું કરી દેવા કવાયત ચાલી રહી છે.
ખાસ કરીને અટલ સરોવર સુધી પહોંચવા માટે સિટી અને બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા પણ મહાપાલિકા દ્વારા કરવામાં આવનાર હોવાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું.