રાજકોટની લાખાજીરાજ રોડ પર ફરી પાથરણાવાળાનો “પડાવ”: વેપારીઓએ આપ્યું આંદોલનનું અલ્ટીમેટમ
કોર્પોરેશન આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક નહિ લાવે તો આગામી દિવસોમાં બંધ,ઘરણા અને લડત શરૂ કરવા ટેકસટાઇલ મર્ચન્ટ અને લાખાજીરાજ રોડ એસો.ની ચીમકી
રાજકોટની મુખ્ય બજાર પાથરણા બજારમાં ફેરવાઈ જતાં વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ ઉભી થઇ છે.લાંબા સમયની આ રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતાં આખરે હવે વેપારીઓએ બંધ અને ઉગ્ર આંદોલનનું અલ્ટીમેટમને તંત્રને આપ્યું છે,ધી રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસો.એ ટૂંક સમયમાં કોર્પોરેશન આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ના છૂટકે વેપારીઓને લડત ચલાવી પડશે તેવી ચેતવણી આપી છે.
રાજકોટની મુખ્ય બજાર એવી લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર રીતે ભરાતી પાથરણા બજારથી વેપારીઓને પરેશાની ઉભી થઈ રહી છે.
દિવાળી અગાઉ પણ આ મુદ્દો ઉછળ્યો હતો અને વેપારીઓએ કોર્પોરેશનમાં સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે વિરોધનો વંટોળ ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી. થોડા દિવસ બાદ ફરી એ જ સમસ્યા બજારના વેપારીઓ માટે આવીને ઊભી રહી ગઈ છે. ફરીથી મુખ્ય માર્ગો પર પાથરણાવાળાઓએ પોતાનો પથારો દુકાનોની આગળ જ પાથરી દેતાં દુકાનદારો અને વેપારીઓ નારાજ થઈ ગયા છે તેવું જણાવતા એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ અનડકટએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની દબાણ હટાવશાખા નિષ્ક્રીય હોય એમ ફરી આ પાથરણાવાળાઓ એ તંત્રના આંખમાં ઘૂળ નાખી અમને વેપારીઓને હેરાન કરવા આવી ગયા છે, અમારી આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક ધોરણે નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વેપારીઓ બંધ તેમજ આંદોલન અને ધરણા પર ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.
લાખાજીરાજ રોડ એસોના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે,અમારી વર્ષો જૂની માંગણી છે, જેટલી વાર રજૂઆત કરીએ છીએ એટલી વાર તંત્ર દ્વારા થોડી વાર માટે કાર્યવાહી થાય છે,આ પ્રશ્નનો કઈ ઉકેલ આવતો નથી,કરોડો રૂપિયાનો શો રૂમ વેપારીઓ લઈને બેઠાં છે,પણ આ ફેરિયાઓને લીધે અમારો વેપાર થતો નથી,ટેક્સ વેપારીઓ ભરે છે પણ અમારો વેપાર થતો નથી, તંત્ર ધારે તો આ પ્રશ્નનો કાયમી નિકાલ આવી શકે અમે વેપારીઓ એવું પણ નથી ઈચ્છતા કે ફેરિયાઓના પેટ પર પાટુ લાગે, તેમને યોગ્ય જગ્યા ફાળવી અહીં “નો ફેરીયા ઝોન” જાહેર કરો એવી અમારી માંગણી છે.