ત્રણ દિ’થી પેટ સાફ ન થતાં વૃદ્ધે સળિયો નાખતાં થઈ ગયા ઘાયલ !
સળિયા સાથે હોસ્પિટલે લવાયા
હોસ્પિટલના બીછાને ક્યારેક ક્યારેક એવા દર્દીઓ આવતાં હોય છે જેમણે કરેલી વિચિત્ર હરકત જાણી તબીબો પણ અચરજ પામ્યા વગર રહી શકતા નથી. આવો જ એક બનાવ ધારીના પ્રેમપરા ગામે બન્યો હતો જ્યાં એક વૃદ્ધને ત્રણ દિવસથી પેટ સાફ ન થતાં આખરે તેમણે કંટાળીને ગુદામાર્ગમાં સળિયો નાખી દેતાં ઘાયલ થઈ ગયા હતા !
આ અંગે જાણવા મળ્યા પ્રમાણે ધારીના પ્રેમપરા ગામે રહેતા અને ભંગારની ફેરી કરતા પ્રફુલભાઈ મથુરદાસ કંટારિયા (ઉ.વ.૬૫)ને છેલ્લા ત્રણ દિવસથી પેટ સાફ થઈ રહ્યું ન્હોતું અને ઘણા પ્રયત્ન કરવા છતાં તેમને મળ ઉતરી રહ્યું ન્હોતું. એકંદરે આ સમસ્યાથી કંટાળી જઈને પ્રફુલભાઈએ પોતાની રીતે જ એક સળિયો ગુદામાર્ગમાં ઘૂસાડી દેતાં લોહીલુહાણ થઈ ગયા હતા.
આ પછી તેમને પ્રથમ ધારી હોસ્પિટલે સળિયા સાથે ખસેડવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં દાખલ કરાયા બાદ આ વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.