રાજકોટની બેઠક માટે ભરત બોઘરા અને પુષ્કર પટેલના નામ મૂકાયા
વર્તમાન સાંસદ કુંડારિયા પણ ટીકીટ માટે આશાવાદી: બહારના નહીં પણ આપણા હોય તેને ટીકીટ આપવા કાર્યકરોનો મત
પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ભાજપમાં રાજકોટનું એક આગવું મહત્વ છે અને અહી કોને ટીકીટ મળે છે તેની હંમેશા ચર્ચા થતી હોય છે. આજે રાજકોટમાં સેન્સ પ્રક્રિયા શરુ થઇ છે અને રાજ્યસભાનાં સભ્ય મયંક નાયક, કચ્છના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય નટુજી ઠાકોર આવ્યા છે.
આ આગેવાનોએ આજે જુદા જુદા મોરચાના હોદેદારો, શહેર કારોબારીના સભ્યો વગેરેને મળીને તેમનો અભિપ્રાય લીધો હતો. હવે મંગળવારે ધારાસભ્યો, સાંસદો અને અન્ય હોદેદારોને મળીને અભિપ્રાય લેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપનું એક જૂથ ડો. ભરત બોઘરાનું નામ આગળ ધરે છે જયારે બીજું જૂથ પુષ્કર પટેલના નામને આગળ કરે છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરનું નામ પણ ચર્ચામાં છે. રાજકોટની બેઠક કડવા પાટીદારને મળે છે કે લેઉવા પાટીદારને એ જોવું રસપ્રદ બની રહેશે. જો કે, અંતરંગ વર્તુળો એવું પણ કહી રહ્યા છે કે પાટીદાર સિવાય ઈતર જ્ઞાતિના ઉમેદવારને પણ તક મળી શકે છે.
બીજી તરફ વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ટીકીટ માટે આશાવાદી છે. તેમણે કહ્યું છે કે, મારી કામગીરીને ધ્યાનમાં રાખીને મને ટીકીટ આપશે તેવી આશા છે. આ સિવાય મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયાએ પણ દાવેદારી નોંધાવી છે.
આજે મોટાભાગના કાર્યકરોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે પ્રદેશ પ્રમુખની જાહેરાત અનુસાર, જો આ બેઠક પાંચ લાખની લીડથી જીતવી હશે તો કોઈ બહારના ઉમેદવારને નહી પણ રાજકોટના જ હોય અને બધાની વચ્ચે રહેતા હોય તેવા ઉમેદવારને ટીકીટ આપજો.