આજથી એક અઠવાડિયામાં રાજકોટને મચ્છર મુક્ત કરશે મહાપાલિકા!
વન-ડે-થ્રી વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ 18 વોર્ડમાં ફોગીંગ કામગીરી કરાશે
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળાએ ઉપદ્રવ મચાવ્યો છે અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનીયા સહિતના કેસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા વન-ડે-થ્રી વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશિન દ્વારા ફોગીંગ કામગીરી શરૂ કરવામાં આવશે.
મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ હાલમાં વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમિશન સિઝન છે તેમજ તાપમાન અને ભેજવાળા અનુકૂળ વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ રહે છે. ત્યારે વાહકજન્ય રોગ અટકાયતી માટે વન-ડે-થ્રી વોર્ડ કાર્યક્રમ અંતર્ગત ફોગીંગ કામગીરી ઝુંબેશ સ્વરૂપે તા.28/10 થી તા.04/11 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશિન દ્વારા ફોગીંગ કામગીરી કરવામાં આવશે.
તારીખ ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોન
28/10/2023 4 1 2
30/10/2023 5 8 3
01/11/2023 6 9 7
02/11/2023 15 10 13
03/11/2023 16 11 14
04/11/2023 18 12 17
આ ઝુંબેશ દરમિયાન વોર્ડની તમામ સંવેદનશીલ સોસાયટી, મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.
મચ્છરથી થતાં રોગ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આટલું કરો
ઘરમાં તથા આસપાસ પાણી ભરેલા તમામ પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા, જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડિયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉપયોગમાં લેવા, પક્ષીકુંજ, ફ્રીઝની ટ્રે, ફૂલ-છોડના કુંડામાં જમા રહેતું વધારાનું પાણી ખાલી કરીને સાફ કરવા, તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લોહીની તપાસ કરાવવી.
