માનવામાં આવે ? બે દિ’માં રાજકોટને ચોખ્ખું-ચણાંક કરી દેશે મહાપાલિકા !
દિવાળી વહેલી નીકળશે, એ.સી.ચેમ્બરમાં બેસીને ફરી રાજકોટને રળિયામણું બનાવવાનું પ્લાનિંગ
બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મ્યુઝિયમ, ધાર્મિક સ્થળો, હેરિટેઝ બિલ્ડિંગ, નદી, તળાવ સહિતની સાફસફાઈ કરવાનું આયોજન
વધુ એક વખત એ.સી.ચેમ્બરમાં બેસીને રાજકોટને ચોખ્ખું-ચણાંક કરવાનું પ્લાનિંગ મહાપાલિકા દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે ! લોકોને કદાચ માનવામાં નહીં આવે પરંતુ મનપા દ્વારા બે દિવસની અંદર રાજકોટને ચોખ્ખું-ચણાક કરી દેવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેનું પ્લાનિંગ કરવા માટે મહાપાલિકામાં બેઠક મળી હતી જેમાં ડીડીઓ, ડીએમસી, જિલ્લા પંચાયત, રેલવે, પોલીસ, બસ પોર્ટ, રૂડા, પીજીવીસીએલ, સિવિલ હોસ્પિટલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકને સંબોધન કરતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૧૫ અને તા.૧૬ એમ બે દિવસ દરમિયાન શહેર વિસ્તારના બસ સ્ટેન્ડ, બસ ડેપો, રેલવે સ્ટેશન, શહેર-ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેઝ બિલ્ડિંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, તમામ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડિંગો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતની સાફસૂફી કરવામાં આવશે. આ ઉપરાંત અવિકસિત અને અનિયમિત વિસ્તારની સાફસફાઈ તમામ કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ કરવાની કામગીરી પણ આ બે દિવસ દરમિયાન કરાશે તો જૂના વાહનોની હરાજી, શહેરના તમામ ફ્લાઈ ઓવર, પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈન, કોર્ટ સંકુલ, સરકારી રહેણાકની વસાહતો, હાઉસિંગ સોસાયટી સહિતની સફાઈ કરવામાં આવશે.