શિવમ કોમ્પલેક્સના વેપારીઓને મહાપાલિકાએ રેઢા’ મુકી દીધા !
સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટનામાં શિવમ બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઑફિસ-દુકાન ન ખોલવા દેવાતાં તહેવાર ટાણે જ વેપારીઓની માઠી: હવે એસો.એ એન્જિનિયર રાખવા પડ્યા
વાહનો તેમજ લોકોની જ્યાં સતત અવર-જવર રહે છે તેવા શહેરના હાર્દસમા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સમાં વોંકળા પરનો સ્લેબ અચાનક તૂટી પડતાં ૩૦ જેટલા લોકો નાલામાં ખાબક્યા હતા જેમાંથી એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.
આ ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા શિવમ કોમ્પલેક્સનો ફિટનેસ રિપોર્ટ કરાવવા માટે આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી કોમ્પલેક્સની ૯૦ જેટલી ઑફિસ-દુકાનો નહીં ખોલવાનું ફરમાન જાહેર કર્યું હતું.
આ પછી કોમ્પલેક્સ દ્વારા તાત્કાલિક એસો.ની રચના કરી સ્ટ્રક્ચરલ રિપોર્ટ માટે મહાપાલિકાને કહેવાયું હતું પરંતુ કોમ્પલેક્સ ખુલે તેમાં મહાપાલિકાને જ રસ ન હોય તેવી રીતે વેપારીઓને
રેઢા’ મુકી દઈ એન્જિનિયરની વ્યવસ્થા ન કરતા હવે એસો.એ જ પોતાની રીતે એન્જિનિયર રાખવા પડ્યા છે.
આ અંગે એસો. દ્વારા મહાપાલિકાને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે મનપા દ્વારા બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેિટ મેળવવા માટે કસાડ ક્નસલ્ટન્ટ અથવા સાવન કાકડિયા એસોસિએશન પાસે કરાવવા માંગતા હોય તો જરૂરી ફીની રકમ સાથે નક્કી કરાવી શકો છો તેવું કહેવાયું હતું. જો કે આ કંપનીઓ ક્યાં આવેલી છે તેની કોઈ જ જાણકારી મનપાએ આપી ન્હોતી. સાથે સાથે એન્જિનિયરનો કોન્ટેક્ટ નંબર પણ અપાયો ન્હોતો જેના કારણે વેપારીઓ ગોટે ચડ્યા હતા.
આ પછી એસો. દ્વારા જીઓગ્રીડ કોનસર્વે સ્ટ્રક્ચરલ ક્નસલ્ટન્ટ નામની એજન્સીને રોકવામાં આવી છે જે એજન્સીના એન્જિનિયર મીલન એચ.માણેકને રોકવામાં આવ્યા છે. જો કે જે વોંકળાનો ભાગ બિલ્ડિંગના એક ભાગમાં આવ્યો છે તે ભાગમાં ટેસ્ટીંગ કરવા માટે અંદર જઈ શકાય તેમ ન હોય તેથી મનપા દ્વારા તાત્કાલિક એ ભાગને ચોખ્ખો કરી કોઈ જગ્યાએ ઝેરી ગેસ નથી તેવું લખાણ આપવા અમારી માંગણી છે. જ્યાં સુધી આ લખાણ ન આવે ત્યાં સુધી એન્જિનિયર અંદર જઈ શકે તેમ નથી એટલા માટે ઝડપથી આ કાર્યવાહી થાય તે જરૂરી છે.