ધનપ્રેમી બિલ્ડરોએ ૩૧ વર્ષથી શિવમ બિલ્ડિંગનું રિનોવેશન જ નથી કરાવ્યું !!
સર્વેશ્વર ચોકમાં ૩૦ લોકો નાલામાં ખાબક્યા બાદ થઈ રહ્યા છે અનેક ખુલાસા
આટલા વર્ષોથી બિલ્ડિંગ રિપેરિંગ કરાવ્યા વગર હોવાનું જાણવા છતાં મહાપાલિકા `આળસ’ કરતું રહ્યું ! ટાઉન પ્લાનિંગ શાખા અને બાંધકામ શાખા અત્યાર સુધી કોની સોડ તાણતી હતી ? લોકોનો અણિયાળા સવાલ
દરેક મકાન-દુકાનને પાંચ-સાત વર્ષે રિનોવેશનની જરૂર રહે છે પરંતુ શિવમ બિલ્ડિંગ જાણે કે `લોખંડ’નું હોય તેમ તેને રિપેર કરાવવાનું કોઈને સૂઝ્યું જ નહીં: હવે તંત્ર નોટિસો ફટકારી કામગીરીનો સંતોષ માનશે !
બિલ્ડિંગ બનાવે એટલે તેને રિનોવેશનની જવાબદારી બિલ્ડરની હોય કે પછી તેમાં દુકાન-ઑફિસ ધરાવતાં ધારકોની ? નિયમોનું કડક પાલન કરાવવાનું તો મનપાના હાથમાં છે તો તે શા માટે અત્યાર સુધી જાગ્યું નહીં ?
સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ હવે મહાપાલિકા દોડતી થઈ ગઈ છે અને એ વિસ્તારમાં ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે મહત્ત્વનો ખુલાસો એવો થયો છે કે `નોટપ્રેમી’ બિલ્ડરો દ્વારા ૩૧ વર્ષથી સર્વેશ્વર ચોકમાં જ્યાં આ ઘટના બની ત્યાં જ આવેલું શિવમ બિલ્ડિંગનું રિનોવેશન જ કરાવ્યું નથી ! સામાન્ય રીતે પાંચથી સાત વર્ષ થાય એટલે મકાન કે દુકાન કે પછી ઑફિસને રિનોવેશન કરાવવાની જરૂર પડતી હોય છે પરંતુ ૩૧-૩૧ વર્ષ સુધી કોઈ બિલ્ડિંગને રિનોવેશન જ ન કરાવવામાં આવે તો પછી ગોઝારી દૂર્ઘટના બનતી કોઈ જ ન અટકાવી શકે !
આટઆટલા વર્ષથી આખું બિલ્ડિંગ રિપેરિંગ થયા વગર જ ઉભેલું હોવાનું જાણવા છતાં મહાપાલિકાની ટાઉનપ્લાનિંગ અને બાંધકામ શાખાએ આળસ' કર્યે રાખી હતી. આ બન્ને મહત્ત્વની શાખા અત્યાર સુધી કોની સોડ તાણી રહી હતી ? એવા અણિયાળા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. હવે નોટિસ આપીને પ્રવેશબંધી ફરમાવી દેવાતાં વેપારીઓને જોરદાર મુશ્કેલી પડી રહ્યાનો રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે
શિવમ’ બિલ્ડિંગ જાણે કે લોખંડનું બન્યું હોય તેવી રીતે તેને રિપેરિંગ જ કરાવવામાં આવ્યું નથી અને તંત્ર દ્વારા પણ આ દિશામાં ક્યારેય સજ્જડ કાર્યવાહી કરવામાં આવી નથી.
અહીં નોંધનીય વાત એ પણ ગણી શકાય કે બિલ્ડિંગ બનાવવામાં આવ્યા બાદ તેને નિયમિત રીતે રિનોવેશન કરાવવાની જવાબદારી બિલ્ડરોની રહેતી હશે કે પછી જે તે દુકાન-ઑફિસ ધારકોની ? જવાબદારી જેની પણ રહેતી હોય પરંતુ નિયમનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી તો મહાપાલિકાની જ રહે છે એટલા માટે તેના દ્વારા જ નિયમનો અમલ કરાવવાની તાતી જરૂરિયાત છે.
રાજકોટમાં કુલ બાવન વોંકળા, ૧૪ ઉપર બાંધકામની મંજૂરી, બાકીના રેઢાપડ
જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં કુલ બાવન વોંકળા આવેલા છે જેમાંથી ૧૪ ઉપર મનપા દ્વારા બાંધકામ કરવાની મંજૂરી આપેલી છે. જો કે અત્યારે શહેરમાં ૧૪ નહીં બલ્કે ૨૦થી વધુ વોંકળાઓ ઉપર આડેધડ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે જે ગમે ત્યારે મોટી ઘટનાને અંજામ આપી શકે છે આમ છતાં તેનું નિયમિત ચેકિંગ થઈ રહ્યું નથી.
સર્વેશ્વર ચોકમાં હજુ પણ વોંકળા પર દબાણો યથાવત: અન્ય વિસ્તારોની સ્થિતિ પણ આવી જ !
`વૉઈસ ઑફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચોકમાં સર્વેશ્વર ચોકમાં હજુ એક આખું રેસ્ટોરન્ટ વોંકળા ઉપર ઉભેલું હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ ઉપરાંત જાગનાથ રોડ પર ડૉ.મોરીના દવાખાનાવાળા રસ્તા પર આવેલા નાલાની ઉપર હૉકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે જ્યાં પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો ખાનપાન માટે આવી રહ્યા છે. આવું જ કંઈક સાંઢિયા પુલની નીચે જોવા મળ્યું છે જ્યાં વોંકળાની અંદર મકાનો તેમજ ઢોર બાંધી લેવામાં આવ્યા છે છતાં અહીં કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી.
૨૦૧૦થી વોંકળા ઉપર બાંધકામની મનાઈ ફરમાવાઈ છે
મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ૩૭ વર્ષ પહેલાં રાજ્ય સરકારે વોંકળા પરની જમીનો વેચવાનો ઠરાવ કર્યો હતો. આ પછી ૨૦૧૦થી મતલબ કે ૧૩ વર્ષ પહેલાં જ વોંકળા પર બાંધકામની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અત્રે મહત્ત્વનો સવાલ એ છે કે ૧૩ વર્ષથી ભલે વોંકળા પર બાંધકામ કરવા દેવામાં આવતું ન હોય પરંતુ ત્યારબાદ થયેલા દબાણોનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે કે નહીં ? આ ઉપરાંત વોંકળા પર મંજૂરીથી બાંધકામ કરાયું છે તેની સ્થિતિ ઠીક છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવે છે કે નહીં ?