કેડા-કામી ગ્રૂપને ત્યાંથી કરોડાના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
8 કરોડની રોકડ સાથે મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા આવ્યો હાથમાં:હવે ઇન્કમટેક્સ અને ડીજીજીઆઈ સાથે તપાસ કરશે
મોરબીના કેડા અને કામી ગ્રુપ પરના ઇન્કમટેક્સ વિભાગના દરોડા પૂરા થયા છે. બે દિવસ ચાલેલા સર્ચ દરમિયાન આઠ કરોડથી વધુની રોકડ સાથે 50 કરોડના બિન હિસાબી નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાથી તમામ ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગે કબજે કર્યા છે.
બે દિવસ પહેલા મોરબીમાં સીરામીક મશીનરીના વિવિધ પાર્ટસ બનાવતી મોરબીની કેડા ચાઈનીઝ કંપની પર ડી.જી.જી.આઈ.ની ટીમે સર્ચ હાથ ધર્યું હતું આ દરમિયાન કંપનીની ઓફિસમાંથી 6 કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગ રાજકોટને જાણ કરવામાં આવી હતી. ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગે મોરબીની આ કંપની પર સર્ચ શરૂ કર્યો હતો. આ તપાસ કેડા ગ્રુપની એસોસિએટ કંપની કામી કલરસેરા પ્રાઇવેટ લિમિટેડ ને ત્યાં પણ તપાસ નો રેલો પહોંચ્યો હતો જેના સંચાલક સગપરિયા ને ત્યાં આવકવેરા વિભાગની ટીમે તવાઈ ઉતારી હતી.
બે દિવસ ચાલેલી તપાસ દરમિયાન ઢગલાબંધ બિન હિસાબી વ્યવહારોના દસ્તાવેજો સામે આવ્યા હતા આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ જપ્ત કર્યો છે. સૂત્રોના અહેવાલો અનુસાર 50 કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા છે હવે આ તપાસમાં આ કંપની સાથે આર્થિક વ્યવહારો કરનાર નો લાંબુ લિસ્ટ પણ તૈયાર થશે જ્યાં તપાસ કરે તેવી શક્યતાઓ છે. હવે આગળની તપાસમાં ડી.જી.જી.આઈ. અને ઇન્કમટેક્સ તાલથી તાલ મેળવસે.