બેડી યાર્ડ સામે ખરાબામાં હોટલ ખડકાઈ ગઈ, ડિમોલિશન
તાલુકા મામલતદાર કચેરીની ટીમે એકાદ કરોડની કિંમતની 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી
રાજકોટ : રાજકોટ -મોરબી હાઇવે ઉપર બેડી માર્કેટિંગ યાર્ડ સામે સરકારી ખરાબાની જગ્યામાં જય દ્વારકાધીશ હોટલ અને રેસ્ટોરન્ટના નામે લાંબા સમયથી દબાણ કરી લેવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા રાજકોટ તાલુકા મામલતદાર કચેરીની ટીમે વિધિવત કાર્યવાહી બાદ મંગળવારે આ હોટેલનું દબાણ દૂર કરવા બુલડોઝર ધણધણાવી અંદાજે એકાદ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર બેડી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડ સામે સરકારી ખરાબાના સર્વે નંબર 261 પૈકીની જમીન ઉપર જય દ્વારકાધીશ હોટલ અને રેસ્ટોરન્ટના નામે લાંબા સમયથી દબાણ ખડકી દઈ વાણિજ્ય હેતુ સબબ ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા દબાણ હટાવવા અંગે નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આમ છતાં દબાણ કરનાર આસામી દ્વારા દબાણ હટાવવામાં ન આવતા મંગળવારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે એક કરોડની કિંમતની 1200 ચોરસ મીટર જમીન ઉપર બુલડોઝર ફેરવી દઈ સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.