રાજકોટના વિકાસ માટે સરકારે ૧૪૮ કરોડ રૂપિયા આપ્યા
મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે રૂ. ૨૧૧૧ કરોડના ચેક અર્પણનો સમારોહ સંપન્ન
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ ૨૧૧૧ કરોડ રૂપિયાના ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજકોટના વિકાસ માટે ૧૪૮ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે.
મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતને દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા ૨૦૦૯-૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૩૮,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.
તેમણે કહ્યું કે, શહેરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના ૭૬ ટકા કામો પૂર્ણ થયા છે. અમૃત યોજના અંતર્ગત રૂ. ૫૧૬૭ કરોડના ૪૫૨ કામો પૈકી ૯૦ ટકા કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના ૬ શહેરોના વિકાસ માટે રૂ. ૧૧,૬૫૦ કરોડના ૩૫૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે ૯૦ ટકા પૂર્ણ થયા છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની અંદાજે ૫૦ ટકા જેટલી વસ્તી જ્યારે શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે નાગરિકોને પાયાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ કાર્યો માટે છેલ્લા એક વર્ષમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ.૫,૭૦૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
ચેક અર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૬૭૩ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. ૫૧૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧૮૮ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૪૮ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. ૬૯ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૬૬ કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૩૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજ્યની ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૪ કરોડ, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૩ કરોડ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૨.૨૫ કરોડ અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧.૫ કરોડ એમ કુલ રૂ. ૩૮૨ કરોડ સહિત સમગ્રતયા રૂ. ૨,૧૧૧ કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ થયા હતા.