ગાંધીનગરની ટીમે રૈયારોડ-ભગવતીપરામાંથી 4 નમૂના મેળવ્યા
સાંસદના સડેલા અનાજ વિતરણના આક્ષેપ બાદ પુરવઠા વિભાગની કાર્યવાહી
ઘઉં, ચોખા, ચણા અને તુવેરદાળના નમૂના લેવાયા
રાજકોટ : રાજકોટ શહેરમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું અનાજ-કઠોળ અને ચોખા સડેલા આપવામાં આવી રહયા હોવાના આરોપ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ બોલાવેલી તડાપીટ બાદ સોમવારે ગાંધીનગરથી આવેલી પુરવઠા વિભાગની ટીમોએ રાજકોટના રૈયા રોડ અને ભગવતીપરા વિસ્તારમાંથી અલગ અલગ ચાર નમૂના મેળવી રવાના થઇ હોવાનું જાણવા મળે છે.
ગત શનિવારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શહેરની વિવિધ સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનકાર્ડ ધારકોને વડાપ્રધાનની મફત અનાજ યોજના અંતર્ગત સડેલું અખાદ્ય અનાજ આપવામાં આવી રહ્યું હોવાના આરોપ સાથે આવા અનાજના નમૂના કલેકટર સમક્ષ મુક્ત જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પુરવઠા વિભાગને દોડતું કર્યું હતું પરંતુ સાંસદની ફરિયાદના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રાજ્યના પુરવઠા મંત્રીની સૂચનાથી ગાંધીનગર પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર સહિતના ત્રણ અધિકારીઓ અચાનક રાજકોટ દોડી આવ્યા હતા અને ભગવતીપરા વિસ્તાર તેમજ રૈયા રોડ ઉપર અલગ -અલગ દુકાનમાંથી ઘઉં, ચોખા, ચણા અને તુવેરદાળના નમૂના લઇ આ ટીમ ગાંધીનગર રવાના થઇ હતી.
