આજી રિવરફ્રન્ટની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ: ફરી સર્વે: દિવાળી પૂર્વે ટેન્ડર
ચૂનારાવાડ-ઈન્દીરા બ્રિજ વચ્ચે ૧૮૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે: સંસદ ભવન તૈયાર કરનાર અમદાવાદની એજન્સીએ પ્રોજેક્ટ હાથ પર લીધો
છેલ્લા દસ વર્ષના મનપાના બજેટમાં જેની જાહેરાત કરવામાં આવી રહી છે તે આજી રિવરફ્રન્ટનો પાયો હજુ સુધી નખાયો નથી. આ અંગે દર વખતે નાની-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ક્યારેય તે વાસ્તવિક્તામાં પરિણમી હોય તેવું બન્યું નથી. જો કે હવે ફરી મનપાએ આ પ્રોજેક્ટની ફાઈલ પરથી ધૂળ ખંખેરીને કામ શરૂ કર્યું છે. સાબરમતિ રિવરફ્રન્ટ જેવો જ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે જેનો એકાદ-બે વખત સર્વે પણ થઈ ચૂક્યો છે ત્યારે ફરી સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને દિવાળી પૂર્વે તેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવે તેવી તૈયારી ચાલી રહી છે.
આ અંગે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ચુનારાવાડ અને ઈન્દીરા બ્રિજ વચ્ચેના ૧ કિલોમીટરના વિસ્તારમાં ૧૮૦ કરોડના ખર્ચે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અગાઉ સર્વે થઈ ચૂક્યો છે પરંતુ તે સર્વે પૂર્ણ થયા બાદ હવે કોઈ ફેરફાર થયો છે કે નહીં તે માટે રિ-સર્વે શરૂ કરી દેવાયો છે. આ પ્રોજેક્ટનું કામ સંસદ ભવન, કાશી વિશ્વનાથ મંદિર સહિતના મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરનાર અમદાવાદની એચ.પી.સી. કંપનીને સોંપવામાં આવ્યું છે. સર્વે થઈ ગયા બાદ તે પ્રોજેક્ટનો સંપૂર્ણ રિપોર્ટ મહાપાલિકાને સોંપશે. આ પછી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે જે માટે દિવાળી સુધી એટલે કે નવેમ્બર માસ આવી જશે.
બીજી બાજુ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે બારેય માસ શુદ્ધ પાણી ભરેલું રાખવું ફરજિયાત હોવાથી ત્યાં પાણી ચોખ્ખું કરવા માટે ટર્શરી પ્લાન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિર વિસ્તાર બારેય માસ પાણીથી ભરેલો રહે તે માટે ચેક ડેમ બનાવાશે મતલબ કે અહીં પણ અટલ સરોવરની જેમ પાણી ભરેલું રાખવા માટેની તૈયારી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.