સર્જન બનવાનું, સર્જન સાથે લગ્ન કરવાનું સ્વપ્ન પૂરું થયું : ડૉ.ખ્યાતિ વસાવડા
કેન્સર હોસ્પિટલના MD-સૌરાષ્ટ્રના એકમાત્ર મહિલા ઓન્કોસર્જન ડૉ.ખ્યાતિ વસાવડા
જેમનો આખો પરિવાર શિક્ષણ સાથે સંકળાયેલો છે તેવા ડૉ.ખ્યાતિ એવા પરિવારમાં પરણ્યા જ્યાં બધાં જ ડૉક્ટર્સ…!
`પપ્પાને કંઈ ન થાય એટલા માટે જ ડૉક્ટર બન્યા’ની નિખાલસ કબૂલાત…
ડૉક્ટરની લાઈફ જેટલી સરળ માનીએ એટલી નથી હોતી, ઘણો બધો ત્યાગ કરવો પડે છે

પોતાના નામની આગળ ડૉ. લખાય તેના માટે દરરોજ હજારો વિદ્યાર્થીઓ બધું જ ભૂલીને જાતને ઘસી નાખતાં હોય છે. હંમેશા તેમનું ધ્યાન ઘડિયાળના કાંટા પર નહીં બલ્કે પોતાના લક્ષ્ય પર કેન્દ્રીત રહેતું હોય છે આમ છતાં ઘણી વખત સફળતા મળતી હોતી નથી. આવી જ રીતે ડૉક્ટર અને તેમાં પણ સર્જન બનવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે તે જાણવું હોય તો કોઈ સર્જનને જ એ વિશે પૂછવું પડે…! આવા જ એક સર્જન કે જેમણે પંદર વર્ષ સુધી રાત-દિવસ જોયા વગર એકધારી મહેનત કરીને સફળતા હાંસલ કરી છે તેવા કેન્સર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર (એમડી) અને સૌરાષ્ટ્રના એકમાત્ર મહિલા ઓન્કોસર્જન મતલબ કે હેડ એન્ડ નેકના સર્જન ડૉ.ખ્યાતિ જાની વસાવડાને અત્રે બિરદાવવા જ પડે…

ડૉ.ખ્યાતિ જાની વસાવડા નિખાલસ મને એકરાર કરે છે કે હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં આખોયે પરિવાર જેમાં પિતા કમલેશભાઈ જાની, કાકા શૈલેષભાઈ જાની, કાકા જ્યોતિન્દ્રભાઈ જાની અને કાકા ગજેન્દ્રભાઈ જાની શિક્ષણ સાથે સંકળાયેલા છે. જો કે મારા પિતા કમલેશભાઈ જાનીની ઈચ્છા હું ડૉક્ટર બનું તેવી જ હોવાથી દરેક દીકરી જેમ પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે બધું જ કરી છૂટતી હોય છે તેમ મેં તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા માટેની મહેનત શરૂ કરી દીધી હતી. જેમ જેમ ડૉક્ટરનો અભ્યાસ શરૂ થતો ગયો તેમ તેમ મેં પણ એક લક્ષ્યાંક સેવી લીધો હતો કે હું સર્જન બનીશ અને સર્જન સાથે જ લગ્ન કરીશ. મારી મહેનત રંગ લાવી અને પંદર વર્ષની મહેનત બાદ સર્જન બની ગઈ સાથે સાથે મેં સર્જન સાથે લગ્ન પણ કર્યા…!
ડૉ.ખ્યાતિનો ધો.૧૦ સુધીનો અભ્યાસ સીસ્ટર નિવેદીતા સ્કૂલમાં થયો છે. આ પછી ધો.૧૧ અને ધો.૧૨ તેમણે ધોળકિયા સ્કૂલમાં તેમજ એમબીબીએસ, એમએસનો અભ્યાસ પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટમાં પૂર્ણ કર્યા બાદ સુપર સ્પેશ્યાલિટી માટે તેમણે અમૃતા હોસ્પિટલ-કોચી પસંદ કર્યા હતા. અમૃતા હોસ્પિટલ ખાતે ઓન્કો સર્જરીની તેમને ટે્રનિંગ મળી જે તેમની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
આ જ સમય દરમિયાન તેઓ ડૉ.હાર્દ વસાવડા કે જેઓ રાજકોટના નિષ્ણાત ન્યુરો સર્જન છે તેમના સંપર્કમાં આવ્યા લગ્નના તાંતણે બંધાયા હતા.
હવે જે વ્યક્તિનો આખોયે પરિવાર શિક્ષણ સાથે સંકળાયેલો હોય તે વ્યક્તિ અત્યારે એ પરિવારમાં પરણ્યા છે જ્યાં બધા જ ડૉક્ટર્સ છે મતલબ કે ડૉ.ખ્યાતિ જાની વસાવડાના પતિ ડૉ.હાર્દ વસાવડા ઉપરાંત તેમના સસરા ડૉ.હેમાંગ વસાવડા, દીયર ડૉ.પ્રિયાંક વસાવડા પણ તબીબ તરીકે કાર્યરત છે. તેમણે એવો એકરાર પણ કર્યો કે ડૉક્ટર બનવા પાછળનું મુખ્ય કારણ પપ્પાનું સ્વપ્ન પૂર્ણ કરવાની સાથે જ પપ્પાને કંઈ જ ન થાય તેવી ચિંતા અને ખેવના સાથે આ ફિલ્ડ પસંદ કર્યું છે…
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બધાને એમ જ લાગતું હોય છે કે ડૉક્ટરની લાઈફ એકદમ સરળ હોય છે પરંતુ વાસ્તવિક રીતે એવું હોતું નથી કેમ કે ડૉક્ટરે ઘણો બધો ત્યાગ કરીને દર્દીઓની સુશ્રુષા કરવાની હોય છે જે તેમના માટે સૌથી પહેલી પ્રાથમિક્તા હોય છે.
અમે એવી બીમારીના દર્દીની સારવાર કરીએ છીએ જ્યાં ગૂડ ન્યુઝ' આપવાના બહુ ઓછા હોય છે...! ડૉ.ખ્યાતિ કેન્સરની બીમારીની સારવાર સાથે સંકળાયેલા છે એટલા માટે તેમનું કહેવું છે કે આ બીમારી એવી છે જે ધ્યાન પર આવે એટલે દર્દીની સાથે જ તેના પરિવારજનો ભાંગી પડતા હોય છે. અમે અત્યારે એવી બીમારીના દર્દીની સારવાર કરીએ છીએ જ્યાં
ગૂડ ન્યુઝ’ આપવાના બહુ ઓછા થતાં હોય છે.
૧૫ વર્ષ સુધી રાત-દિવસ જોયા વગર મહેનત કરીને મેળવી સફળતા
ડૉ.ખ્યાતિએ આ મુકામ હાંસલ કરવા માટે ૧૫ વર્ષ સુધી રાત-દિવસ જોયા વગર મહેનત કરીને સફળતા હાંસલ કરી છે. આ દરમિયાન તેમના પરિવારમાં એક દુ:ખદ બનાવ પણ બની ગયો હતો જ્યારે તેમના નાના બહેન ચેન્નાઈ ખાતે એક માર્ગ અકસ્માતમાં નિધન પામ્યા હતા. આ એવો સમય હતો કે જ્યારે સૌ ભાંગી પડ્યા હતા છતા ડૉ.ખ્યાતિએ હિંમત હાર્યા વગર મહેનત યથાવત રાખી અને સફળતા મેળવીને આ મુકામ સુધી પહોંચ્યા છે.
અત્યંત બિઝી શેડ્યુલ છતાં પરિવારને સમય આપવામાં જરા પણ પાછીપાની નહીં…
પોતે સર્જન અને પતિ ડૉ.હાર્દ પણ સર્જન હોવાથી સ્વાભાવિક પણે પરિવારને સમય આપવામાં તકલીફ પડતી જ હશે ? આ પ્રશ્ન પૂછવામાં આવતાં ડૉ.ખ્યાતિએ જણાવ્યું કે ના, બિલકુલ નહીં…પરિવારને સમય આપવામાં જરા પણ પાછીપાની નથી કરતી. જો કે દર્દીની સારવાર અમારા માટે પહેલાં હોવાથી તેનું ધ્યાન અવશ્ય રાખીએ છીએ. આ જ વસ્તુ તેમનો પુત્ર પર્વ પણ બરાબર સમજી રહ્યો છે.
એમડી બન્યા બાદ દરરોજ ૩૫૦થી ૪૦૦ સ્ટાફ મેમ્બર્સને મેનેજ કરવાનો પડકાર
ડૉ.ખ્યાતિને કેન્સર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર (એમડી)ની જવાબદારી મળ્યા બાદ તેમના ઉપર દર્દીઓની સારવારની સાથે સાથે ૩૫૦થી ૪૦૦ સ્ટાફ મેર્મ્બસને મેનેજ કરવાનો પડકાર હતો જે તેઓ બખૂબીથી નિભાવી રહ્યા છે.
કેન્સર હોસ્પિટલની પાંચ ગણી કાયાપલટ કરવાનો શ્રેય ડૉ.ખ્યાતિને
ડૉ.ખ્યાતિ એમડી બન્યા ત્યારબાદ કેન્સર હોસ્પિટલની પ્રગતિમાં પાંચ ગણો વધારો થવા પામ્યો છે સાથે સાથે અહીં કેન્સર સંબંધિત બીમારીની સારવાર માટે અદ્યતન સાધન-સામગ્રી પણ ઉપલબ્ધ હોવાથી દર્દીઓને દૂર સુધી જવું પડતું નથી.
ડાન્સીંગ અને ફરવા જવાનો શોખ
ડૉ.ખ્યાતિ જાની વસાવડાને ડાન્સીંગ અને મ્યુઝિક સાંભળવાના શોખ ઉપરાંત ફરવા જવાનો ખૂબ જ શોખ છે અને તેઓ અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી પણ આ બધા માટે સમય કાઢી રહ્યા છે.
સર્જરી ન કરી હોય એ દિવસે થાય છે અફસોસ !
તમને સર્જન બન્યા બાદ કોઈ અફસોસ થાય છે ? આ પ્રશ્નનો એક ઝાટકે જવાબ આપતાં ડૉ.ખ્યાતિ જણાવે છે કે બિલકુલ નહીં, ઉલટાનું મેં જે દિવસે ર્જરી ન કરી હોય એ દિવસે મને ખૂબ જ અફસોસ થાય છે…!