આગામી મહિને સૂચિત જંત્રી સામે રજૂ થયેલા વાંધા-સૂચનોને લઈ જિલ્લા કમિટી મળશે
સૂચિત જંત્રી સામે વાંધા અરજીઓનો ઢગલો
સરકારે મુદત વધારાની જાહેરાત કરી પણ અમલ ન કર્યો, હવે વાંધાસૂચન માટે ફક્ત 3 જ દિવસ : તંત્ર ઉંધા માથે
રાજકોટ : રાજ્યમાં નવી જંત્રી અમલી બનાવવા સરકારે સૂચિત નવી જંત્રી પ્રસિદ્ધ કરી વાંધા સૂચનો મંગાવ્યા છે ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાં નવી સૂચિત જંત્રી સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠ્યો છે અને બીલ્ડરોથી લઈ રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો, સિવિલ ઈજનેર, આર્કિટેક્ટ અને સામાન્ય જનતાએ પણ વાંધા સૂચનો રજૂ કરી સૂચિત જંત્રી ખુબ જ વધુ હોવાનો સુર વ્યક્તિ કરી વાંધા સૂચન માટે મુદ્દત વધારવા માંગણી કરતા સરકારે મૌખિક રીતે વાંધાસૂચન માટે મુદત વધારી છે પરંતુ આ માટે કોઈ પરિપત્ર કે સૂચના ન અપાતા હવે સૂચિત જંત્રી સામે વાંધા રજૂ કરવા માત્ર 3 દિવસનો જ સમય બાકી રહ્યો છે. હાલમાં રાજકોટ જિલ્લામાં 500થી વધુ વાંધા અરજીઓ તંત્ર સમક્ષ ઓનલાઇન કે ઓફલાઈન સ્વરૂપમાં આવી હોવાનું જાણવા મળે છે.
સંભવતઃ આગામી એપ્રિલ 2025થી તોતિંગ ભાવ વધારા સાથેની નવી જંત્રી અમલી બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. જો કે,સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકા સુધીનો વધારો હોવાના આરોપ સાથે રાજકોટમાં બિલ્ડરો અને રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોએ ધારદાર રજુઆત કરી સૂચિત જંત્રી સામે વાંધા રજૂ કરવા માર્ચ મહિના સુધીનો સમય આપવા માંગણી કરતા સરકાર દ્વારા 20મી જાન્યુઆરી સુધી વાંધા સૂચન સ્વીકારવા અંતે મૌખિકે જાહેરાત કરી હતી. બીજી તરફ સરકારે કરેલી જાહેરાત મુજબ હજુ સુધી સ્ટેમ્પ ડ્યુટી વિભાગ સમક્ષ મુદત વધારવા અંગેનો કોઈ પરિપત્ર કે, સૂચના આપવી ન હોવાથી સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ તંત્ર 20મી ડિસેમ્બરને કટ ઓફ ડેઈટ ગણી વાંધા સૂચનો સ્વીકારી વાંધાસૂચન અંગેના પ્રકરણો તૈયાર કરી જિલ્લા કમિટી સમક્ષ મુકવા તૈયારીમાં લાગી ગયું છે.
ઉલ્લેખનીય છે કે સરકારની સૂચિત જંત્રી સામે રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે ત્યારે સરકારે અગાઉ ફક્ત ઓનલાઇન જ વાંધા સૂચનો સ્વીકારવાની જાહેરાતમાં સુધારો કરી ઓફલાઈન વાંધા સૂચનો સ્વીકારવાનું શરૂ કર્યું છે, બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લા ઓનલાઇન અને ઓફલાઈન મળી 500થી વધુ વાંધા અરજીઓ તંત્ર સમક્ષ આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, સાથે જ આગામી મહિને સૂચિત જંત્રી સામે રજૂ થયેલા વાંધા સૂચનો જિલ્લા કલેકટરની અધ્યક્ષતા વાળી કમિટીને સોંપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
