ડેંગ્યુ-મેલેરિયાના મચ્છર કરડ્યાના દસમા દિવસે દેખાય છે બીમારી !
સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીના સમયમાં કેસમાં થશે વધારો: ડેંગ્યુનો મચ્છર દિવસે જ કરડે છે
આંખી બાંયના કપડા પહેરવા, ઘરમાં કે બહાર ક્યાંય પણ પાણી ભરાય ન રહે તેનું ધ્યાન રાખવું જરૂરી
રાજકોટમાં ભલે અત્યારે વરસાદ જોઈએ તેવો પડી રહ્યો નથી પરંતુ ડેંગ્યુ, મેલેરિયા સહિતનો રોગચાળો માથું ઉંચકી રહ્યો હોવાથી તેનાથી બચવું કેવી રીતે તેની માર્ગદર્શિકા મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે એમ પણ જણાવાયું છે કે ડેંગ્યુ-મેલેરિયાના મચ્છર કરડી ગયાના દસમા દિવસે લક્ષણો જોવા મળતા હોય છે.
મનપાના જણાવ્યા પ્રમાણે મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર વહેલી સવારે અને મોડી સાંજે જ કરડે છે. આ જ રીતે ડેંગ્યુ અને ચિકનગુનિયા માદા એડિસ ઈજિપ્તી મચ્છર દ્વારા ફેલાય છે જે દિવસના સમયે જ ડંખ મારે છે. ડેંગ્યુ-મેલેરિયા ફેલાવતા મચ્છર ઘરના ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મુકે છે. ઈંડામાંથી મચ્છર બનતા સાતથી દસ દિવસનો સમય લાગે છે અને ત્યારબાદ ચેપી મચ્છરના કરડ્યા પછી સાતથી ૧૦ દિવસ બાદ રોગનાં લક્ષણ જોવા મળે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન ડેંગ્યુના કેસ વધુ જોવા મળે છે. ડે્રનેજનું પાણી, એંઠવાડ, ઉગી નીકળેલું ઘાસ, કાદવ, કિચડ, કચરાના ઢગલા વગેરેમાં ડેંગ્યુના મચ્છર ઉત્પન્ન થતા નથી.
આ રોગથી બચવા માટે બાંધકામ સાઈટ પર જમા પાણીમાં નિયમિત ઓઈલનો છંટકાવ કરવા અપીલ કરવામાં આવી છે સાથે સાથે વરસાદના વિરામ બાદ વિવિધ પાત્રોમાં સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીને ખાલી કરીને સાફ કરવા અને પાણી ખાલી થઈ શકે તેમ ન હોય તેવી જગ્યાએ કેરોસીન કે ઓઈલનો છંટકાવ કરવો જોઈએ.
ગંદકી ફેલાવતી પાનની વધુ બે દુકાન સીલ
મહાપાલિકા દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પાસે આવેલી પ્યાસા પાન અને જય દ્વારકાધીશ પાન એન્ડ ચા મળી વધુ બે દુકાન સીલ કરવામાં આવી હતી. આ બન્ને દુકાનોને ચોખ્ખાઈ જાળવવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ જ અસર થઈ રહી ન હોય આખરે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું.