પોલીસમેને લાંચ માંગ્યાનું પુરવાર થતા દોઢ વર્ષ બાદ ગુનો નોંધાયો
વોઇસ સ્પેકટ્રોગ્રાફીના રિપોર્ટના આધારે ભક્તિનગરના હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
રાજકોટના ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેશ ચંદુ જાટીયાએ દોઢ વર્ષ પહેલા લાંચ માંગ્યાનું ઓડિયો અને વિડીયો રેકોડીંગ ફરિયાદીએ કરી લીધા બાદ તેનો વોઇસ સ્પેકટ્રોગ્રાફીના રિપોર્ટનો રીપોર્ટ પોઝીટીવ આવતા એસીબીમાં પોલીસમેન જયેશ ચંદુ જાટીયા સામે ગુનો નોંધાયો છે.
વર્ષ 2021ની સાલમાં ભક્તિનગર પોલીસ મથકમાં ગીરીશભાઈ તાળાએ સુનિલ પંચાસરા સામે એક અરજી કરી હતી.જેની તપાસ જમાદાર જયેશ જાટીયાને પાસે હતી.જોકે તપાસ દરમિયાન જ બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું.તેમ છતાં અટકાયતી પગલાં નહીં લેવા અને લોકઅપમાં નહીં રાખવાના અવેજ પેટે બંને પાસેથી રૂા.5-5 હજાર મળી કુલ રૂ.10 હજારની લાંચ માંગી હતી.જેનું વીડિયોનું રેકોર્ડિંગ ફરીયાદીએ કરી લીધા બાદ એસીબીમાં અરજી કરી હતી જેને વોઇસ સ્પેકટ્રોગ્રાફીના માટે લેબમાં મોકલ્યું હતું. જયેશ જાટીયાનો વોઇસ સ્પેકટ્રોગ્રાફીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એસીબીના પીઆઈ એ.આર.ગોહિલ અને પી.આઈ એચ.એમ.રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.