હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા કોર્પોરેટર ઝપટે ચડ્યા બાદ શરૂ કરી બ્હાનાબાજી
વોર્ડ નં.૧૨ના નગરસેવક મગન સોરઠિયા મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઘૂસ્યા’ને પકડાયા: મિટિંગમાં જવાનું હોવાથી ઉતાવળ છે, આવીને દંડ ભરું સહિતના બ્હાના કાઢ્યા પણ ફાવ્યા નહીં
આખરે ૫૦૦ ભરવા પડ્યા: સરકારી કચેરીઓ સહિત વધુ ૪૫૩ લોકો પાસેથી ૨.૨૪ લાખની દંડ વસૂલાત કરતી પોલીસ
હાઈકોર્ટની લાલ આંખ બાદ આખરે સરકારે ફરજિયાત હેલ્મેટના કાયદાને કડક બનાવવાનો આદેશ આપવો પડ્યો છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પણ આ દિશામાં બે દિવસથી કડક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે સરકારી-અર્ધ સરકારી કર્મી સહિત ૨૫૦થી વધુ લોકો પાસેથી દંડ વસૂલ્યા બાદ બીજા દિવસે રખાયેલી ડ્રાઈવમાં ૪૫૩ લોકો પાસેથી ૨.૨૪ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. દરમિયાન આ ડ્રાઈવમાં ભાજપના વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર મગન સોરઠિયા પણ હડફેટે આવી ગયા હતા.
મગન સોરઠિયાને કદાચ એમ હતું કે તેઓ કોર્પોરેટર છે અને તેમાં પણ વળી ભાજપના કોર્પોરેટર હોવાથી તેમને નિયમ લાગુ પડતો નહીં હોય ! આ વાત મગજમાં રાખીને તેઓ પોતાના સ્કૂટર પર હેલ્મેટ વગર મહાપાલિકાની ઢેબર રોડ પર આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રવેશ્યા હતા. અહીં આવતાંની સાથે જ બહાર ઉભેલી ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યા હતા. શરૂઆતમાં તો પોતે કોર્પોરેટર છે અને એક અગત્યની મિટિંગમાં જવાનું છે તેવા બ્હાઓ કાઢ્યા હતા. એક સમયે તેમણે ચાલતી પણ પકડી લીધી હતી. જો કે ત્યાં હાજર પોલીસ કર્મી દ્વારા મીડિયાના કેમેરા સમક્ષ એમ કહેવાયું હતું કે આ ભાઈ દંડ ભરવાનો ઈનકાર કરી રહ્યા છે. કેમેરા જોતાં જ મગન સોરઠિયાએ એવો લૂલો બચાવ કર્યો હતો કે મિટિંગ પૂરી કર્યા બાદ તેઓ દંડની ભરપાઈ કરી દેશે પરંતુ ત્યાં હાજર લોકોએ અત્યારે દંડ ભરવામાં વાંધો શું છે તેમ કહેતા જ ફટાફટ ૫૦૦ રૂપિયા ભરી દીધા હતા !
દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ સરકારી કચેરીઓ બહાર ઉભા રહીને હેલ્મેટ વગર અંદર પ્રવેશતાં ૪૫૩ કર્મચારી અને લોકો પાસેથી ૨,૨૪,૭૦૦ રૂપિયાના દંડની વસૂલાત કરી હતી.