માવઠા ગયું, હવે ઠંડા પવનનો કહેર : રાજકોટમાં 9.3 ડીગ્રી
નલિયામાં લઘુતમ તાપમાન 5.6 ડીગ્રી નોંધાયું
રાજકોટ : રાજ્યમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે માવઠાનો ખતરો ગયો છે પરંતુ ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન ઘટીને 9.3 ડીગ્રી થયું હતું તો નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયા બાદ લઘુતમ તાપમાન એકથી દોઢ ડીગ્રી વધીને 5.6 ડીગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ કમોસમી વરસાદનો ખતરો ટળ્યો છે. જો કે, હિમાલિયન રિજીયનમાં સતત બરફાવર્ષાને કારણે ફૂંકાતા ઠંડા પવનને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રવિવારે અમદાવાદ 15,
વડોદરા 17.8 , ભાવનગર 14.5 , ભુજ 10.4 , ડીસા 13.0 , દ્વારકા 14.4,
ગાંધીનગર 14, જામનગર 14.9, કંડલા 13, નલિયા 5.6 , ઓખા 18, પોરબંદર 11.4, રાજકોટ 9.3 અને સુરત 17 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
