બાળકોએ મૂર્તિની સ્થાપના કરી અને નામ રખાયું “શ્રી બાલક હનુમાનજી”…જુઓ ક્યાં છે આ મંદિર
પેડક રોડ પર 40 વર્ષ જૂના મંદિરમાં નથી કોઈ દરવાજા: ભક્તો 24 કલાક કરી શકે છે દર્શન: વર્ષો પહેલા દેરી સ્વરૂપે બનેલું મંદિર આજે બન્યું છે શિખરબધ્ધ

સમગ્ર ભારતમાં એકપણ એવું ગામ નહિ કે જ્યાં હનુમાનજી દાદાનું મંદિર નહિ હોય. હાજરા હાજૂર હનુમાનજી દાદાના સૌ કોઈ ભક્ત હોય છે. રાજકોટમાં પણ હનુમાનજી દાદાનું એક એવું મંદિર છે કે જેની સ્થાપના આજથી અંદાજે 40 વર્ષ પહેલા નાના-નાના બાળકોએ કરી અને નામ આપવામાં આવ્યું “શ્રી બાલક હનુમાન”.
સંકટમોચન હનુમાનજીના ભક્તો માત્ર ભારત દેશ જ નહી વિદેશમાં પણ વસે છે. સંકટ સમયે જો કોઈ વ્યક્તિ સૌ પ્રથમ કોઈને યાદ કરતાં હોય તો તે હનુમાનજી છે અને હનુમાનજી ભક્તોના દુ:ખ પણ દૂર કરતાં હોય છે. એવા અનેં મંદિરો છે કે જ્યાં હનુમાનજીના ચમત્કારો અને પરચા જોવા મળે છે.
શહેરના સામા કાંઠા વિસ્તારમાં પેડક રોડ પર પટેલવાડીથી આગળ શ્રી બાલક હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિરની સ્થાપના આજેથી 40 વર્ષ પહેલા પેડક રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીના નાના-નાના બાળકો દ્વારા કરવામાં આવી હતી. જેને કારણે જ મંદિરનું નામ બાલક હનુમાન રાખવામાં આવ્યું.
સમય જતાં બાલક હનુમાનજીમાં આ વિસ્તારના લોકોની આસ્થા વધતી ગઈ અને અહી માત્ર દર શનિવાર-મંગળવાર જ નહિ પરંતુ રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા. લોકોની મનોકામના પૂર્ણ થતી હોય સામા કાંઠા વિસ્તારના લોકો માટે બાલક હનુમાનજી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સમય જતાં આ દેરી સ્વરૂપ મંદિર આજે શિખર બધ્ધ મંદિર બની ગયું છે.
પેડક રોડ પર નારાયણ નગર-રણછોડ નગર વચ્ચે રોડ પર બનાવવામાં આવેલા આ મંદિરની વિશેષતા એ પણ છે કે, અહી હનુમાનજીના ભક્તો 24 કલાક દર્શન કરી શકે છે. મંદિરમાં કોઈ દરવાજો રાખવામાં આવ્યો નથી. જેથી ભક્તો પોતાના કામ ધંધે-નોકરીથી પરત આવતા હોય રાત્રિના સમયે મોડું થઈ ગયો હોય તો પણ બાલક હનુમાનજીના દર્શન કરી શકે છે. જ્યારે મંદિરમાં હનુમાન જયંતી અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે તો સામા કાંઠા વિસ્તાર ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. તો આ દિવસે અંદાજે 15 હજાર લોકો માટે ભોજ-પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
તાજેતરમાં જ તા.22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે રાજકોટમાં પણ બાલક હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં રાજસ્થાનના જયપુરથી હનુમાનજીની મૂર્તિ લાવવામાં આવી હતી. જ્યારે મંદિર બનાવવા માટે પણ રાજસ્થાનથી પથ્થરો મંગાવવામાં આવ્યા હતા. તા.20 થી 22 દરમિયાન ત્રી-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ દિવસે અંદાજે 12 હજાર લોકો માટે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મંદિરમાં કોઈપણ પ્રકારનો ફાળો કરવામાં આવતો નથી.
શ્રી બાલક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્યો પણ કરાય છે
આ મંદિરના સંચાલન માટે એક શ્રી બાલક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ પણ બાનવવામાં આવ્યું છે. જેના તમામ સભ્યો દ્વારા સેવા કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદો માટે મેડિકલના સાધનો, આંટોમ યાત્રા માટે સબવાહીનીની નિ:શુલ્ક સેવા ઉપરાંત કોઈપણ કુદરતી આફતો સમયે સભ્યો દ્વારા આવશ્યક સેવાઓ આપવામાં આવે છે. કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતાં આ સમયે ટ્રસ્ટના સભ્યો દ્વારા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત કોઈ પણ પ્રસંગ હોય કે કુદરતી આપત્તિ હોય બાલક હનુમાનજી મિત્ર મંડળના 125 જેટલા સભ્ય સેવાકાર્યો માટે ખડેપગે રહે છે.