રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં બજેટ રજૂ કરાયુ, શું કહ્યું કારોબારી ચેરમેને..બજેટનું કુલ કદ રૂ.૯૪૫ કરોડ.. જુઓ વિડીયો..
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક ગુરુવારે મળી હતી. જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૪-૨૫નું સ્વભંડોળ, સરકારી ગ્રાન્ટ સહિતનું કુલ રૂ.રૂ.૯૪૫.૧૦ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ગ્રામ્ય જનતા પર કરવેરો નાખવામાં આવ્યો નહતો.
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક ગુરુવારે કારોબારી અધ્યક્ષ પી.જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪નું સુધારેલું અને વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ કારોબારી અધ્યક્ષ ક્યાડા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળનું બજેટ રૂ.૧૫.૮૭ કરોડ, સરકારી ગ્રાન્ટ તેમજ ડિપોઝિટની રકમ મળી કુલ રૂ.૯૪૫.૧૦ કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જેમાં ગ્રામ્ય પ્રજા પર નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. હવે આગમી તા.૨૨એ મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે. કારોબારીમાં રજૂ કરાયેલા બજેટમાં કુપોષણ મુક્ત રાજકોટ જિલ્લો બનાવવા માટે રૂ.૨૦ લાખ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે રૂ.૨૦લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આજની આ કારોબારી બેઠકમાં સિંચાઇના કામના ૧૧ ટેન્ડર તેમજ ૪ કામોની વહીવટી મંજૂરી મળી કુલ રૂ.૩.૬૧ કરોડના કામોની મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામના કુલ ૩ કામના ટેન્ડર રૂ.૧.૫૭ કરોડ તેમજ જિલ્લા પંચાયતની મધ્યસ્થ લોબીમાં નવું ફ્રીઝ ખરીદવા સહિત કુલ. રૂ.૧.૫૮ કરોડના કામોને મજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં કારોબારી અધ્યક્ષ પી.જી. ક્યાડા, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, કારોબારી સભ્યો સહિત શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ
વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં કરાયેલી જોગવાઇઓ
ગુરુવારે મળેલી કારોબારીની બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં સ્વભંડોળમાંથી વિવિધ ક્ષેત્રે જુદી-જુદી જોગવાઇઓ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ માટે રૂ.૨૦લાખ, જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઇસીડીએસ વિભાગમાં બાળકોને પોષણયુક્ત અને પ્રોટીન યુક્ત આહાર પૂરો પાડવા માટે રૂ.૨૦ લાખ, સામાજીક ન્યાય નિધિમાં અનુ. જાતિના કલ્યાણ માટે રૂ.૪૦ લાખ, આંગણવાડી કેન્દ્રોમાં ફાયર એક્સટીંગ્યુંસર માટે રૂ.૭ લાખ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂ.૨ લાખ સહિતની જોગવાઇઓ કરવામાં આવી હતી.