ભૂલકણા પેસેન્જરોની ચીજવસ્તુઓની થાય છે ‘હરરાજી’: રાજકોટ એરપોર્ટમાં 52 વસ્તુઓ ભૂલ્યા
ટર્મિનલ અને ફલાઇટમાં પેન,ચાર્જર,જેકેટ,પાવરબેન્ક,શાલ,જવેલરી,ઈયરબર્ડ,લેપટોપ અને મોબાઈલ પણ ભૂલી જાય છે:લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ આ વસ્તુઓ સાચવે છે:જો ક્લેઈન ન થાય તો લાંબા સમય બાદ આ વસ્તુઓની ઓનલાઈન હરરાજી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફલાઇટ પકડવાની ઉતાવળમાં મુસાફરો પોતાની હેન્ડબેગમાં રહેલી ચીજ વસ્તુઓ અનેક વખત ભૂલી જતા હોય છે, રાજકોટ એરપોર્ટ પર એક મહિનામાં 52 જેટલી વસ્તુઓ પેસેન્જરો ભૂલી ગયા છે. જેમાં ઘણા મુસાફરો પ્લેનમાં તો ઘણા સિક્યુરિટી ચેક ઇન વખતે કે પછી ટર્મિનલમાં બેઠા હોય છે ત્યારે ફલાઈટમાં જવાની ઉતાવળ વખતે ચીજ વસ્તુઓ ભૂલી જતા હોય છે જેમાં સૌથી વધારે પેન, ચાર્જર,પાવરબેંક,ઈયરબર્ડ્સ,શાલ,જેકેટ જેવી ચીજ વસ્તુઓની સાથે ઘણા ભૂલકણા મુસાફરો તેમની સાથે રહેલા કીમતી લેપટોપ અને મોબાઈલ પર રાખીને જતાં રહેતા હોય છે..!!!
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની વાત કરીએ તો છેલ્લા નવેમ્બર મહિનામાં 52 જેટલી ચીજ વસ્તુઓ પેસેન્જર ભુલીને જતા રહ્યા છે, જ્યારે એક વર્ષ દરમિયાન આશરે 600 થી 700 વસ્તુઓ એરપોર્ટ પર ભૂલી જતા હોય છે.

પેસેન્જરો તો વસ્તુઓ ભૂલી ગયા,હવે આ વસ્તુનું શું…?
એરપોર્ટ કે ફ્લાઈટમાં પેસેન્જર્સ જ્યારે વસ્તુ ભૂલી જાય છે ત્યારે આ ચીજવસ્તુ એરપોર્ટ પર આવેલા લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં જમા કરવામાં આવે છે. જો પેસેન્જર તેમની ચીજ વસ્તુઓ માટે સંપર્ક કરે છે કે પછી બીજા શહેરમાંથી ઓનલાઈન ક્લેઇમ કરે ત્યારે આ વસ્તુઓ તેમના સુધી પરત કરવામાં આવતી હોય છે. આ ડિપાર્ટમેન્ટની જવાબદારી ટર્મિનલ મેનેજરની થતી હોય છે તેઓ પેસેન્જર જ્યારે વસ્તુ ભૂલીને જતો રહે છે ત્યારે 24 કલાક બાદ જવાબદાર ડીપાર્ટમેન્ટ દ્વારા એરપોર્ટ ઓથોરિટીની લોસ્ટ એન્ડ ફાઉન્ડની વેબસાઈટ પર અપડેટ કરી દેવામાં આવે છે જેમાં જે તે એરપોર્ટ અને ચીજ વસ્તુઓની માહિતી દર્શાવવામાં આવતી હોય છે આથી જ્યારે પેસેન્જર કલેમ કરે છે ત્યારે આધારકાર્ડ અને ટ્રાવેલિંગ ટિકિટની કોપી દર્શાવી પડતી હોય છે ત્યારબાદ તે પોતાની ચીજવસ્તુ પરત મેળવી શકે છે.
રાજકોટમાં જેકેટ,ચાર્જર અને અમદાવાદ-સુરતમાં થેપલાં અને અથાણાં રહી જાય છે..!!
રાજકોટ એરપોર્ટમાં પેસેનજરો બ્લેન્કેટ,જેકેટ, ચાર્જર જેવી ચીજ વસ્તુઓ રાખીને ફ્લાઈટમાં ઉડાન ભરી દેતા હોય છે જ્યારે અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ત્યાં લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તો ઠીક પણ થેપલા અને અથાણા જેવી વસ્તુઓ પણ ભૂલી જતા હોય છે. જેનું કારણ દર્શાવતાં એરપોર્ટના અધિકારીઓ કહે છે કે હેન્ડ લેગેજમાં આ બધી વસ્તુઓ હોવાના કારણે જ્યારે સિક્યુરિટી ચેક કરવાનું થતું હોય છે ત્યારે બધી વસ્તુઓ બહાર કાઢતા હોય છે અને ત્યારબાદ ટ્રેમાંથી લેવાનું ભૂલીને જતા રહેતા હોય છે. ખાણી પીણીની ચીજ વસ્તુઓ અમે 24 કલાક સુધી જ સાચવીએ છીએ. બાકી અન્ય ચીજ વસ્તુઓ એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દઈએ છીએ.
જો તમે ચીજ વસ્તુઓ ભૂલી જાવ તો આ રીતે પરત મેળવી શકો
એરપોર્ટમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે જે ટર્મિનલ મેનેજરની જવાબદારી હેઠળ આવતો હોય છે.પેસેન્જરોએ રાજકોટ એરપોર્ટ પર કોઈ ચીજ વસ્તુઓ ભૂલી જાય ત્યારે એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટ પર જઈ લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં જઇ ઓનલાઇન ક્લેમ કરી શકે છે અથવા ઈમેલ પણ કરી શકે છે, જેમાં જે તે તારીખ અને સમય તેમજ ભુલાઈ ગયેલી ચીજ વસ્તુઓની માહિતી, ફોટો આઈડી પ્રૂફ અને ફલાઈટ ની ટિકિટ અટેચ કરવાની હોય છે, જો પેસેન્જર ના કોઈ સગા સંબંધી એરપોર્ટ પર વસ્તુ લેવા માટે જાય તો તેને પણ પોતાનો ફોટો આઈડી બતાવી વસ્તુ લઈ જઈ શકે છે.
વસ્તુ માટે કોઈ ક્લેઈમ ન થાય તો હરરાજી થાય છે
રાજકોટના જુના એરપોર્ટમાં ભુલાઈ ગયેલી વસ્તુઓ માટે દાવેદાર ન થાય તો એક દોઢ વર્ષે તેની હરાજી કરવામાં આવતી હતી, આ હરાજી ઓનલાઇન કરાઈ છે. નવા હિરાસર એરપોર્ટમાં આગામી ટૂંક સમયમાં આ ઓનલાઇન હરાજી કરાશે. ઓપ્શન માટેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન ટર્મિનલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે.