કાચ તોડ મહંતના આશ્રમને તોડી પડાયો
3 કરોડની કિંમતી સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જમીન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
રાજકોટ : રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ ચોક નજીક જીએસટી કમિશનરની ગાડીના કાચ તોડી નાખનાર કહેવાતા મહંતના લોધિકા તાલુકાના વડવાજડી ગામે આવેલા આશ્રમ ઉપર ગુરુવારે મામલતદારનું બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 3 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. કહેવાતા આ મહંતે સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જમીન ઉપર અનધિકૃત આશ્રમ બનાવ્યો હોય ત્રણ ત્રણ નોટિસ ફટકારવામાં આવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવાંમાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત સપ્ટેમ્બર માસમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ ચોકમાં રોન્ગ સાઈડમાં ગાડી ચલાવી મહંત યોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા અને તેમના સેવકોએ જીએસટી કમિશનરની ગાડીના ડ્રાઇવર સાથે ઝઘડો કરી કાચ ફોડી નાખતા આ મામલે ગુન્હો નોંધાયા બાદ કહેવાતા આ મહંતે લોધીકા તાલુકાના વડવાજડી ગામના રે.સ. નં ૩૨ ની સરકારી જગ્યા પર આશ્રમ બનાવી અનધિકૃત દબાણ કર્યું હોવાનું ધ્યાને આવતા લોધીકા મામલતદાર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ નોટિસો આપી જમીનના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ મહંત દ્વારા મુદતે હાજર ન રહેતા અંતે ગુરુવારે મહંત યોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમારના દબાણનો કડૂસલો બોલાવી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વધુમાં લોધિકા મામલતદાર ડી.એન.ભાડ એ જણાવ્યું હતું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનધિકૃત કબ્જો ખાલી કરવા નિયમ મુજબ સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાલી કરાયેલી જમીન પર ફરી વાર દબાણ ન થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે. ડિમોલીશન સમયે નાયબ મામલતદાર પી.બી.ત્રીવેદી, એન.વી.ધ્રાંગીયા, વાય એમ.ગોહિલ, અને એન.વી.ગોહિલ, રેવન્યુ વીભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલના કર્મચારીઓ સાથે રહ્યા હતા.
