પોલીસને ખુલ્લો પડકાર: ગૂગલ મેપ ઉપર દેશી દારૂના અડ્ડાનું સરનામું !
દેશી દારૂ કા અડ્ડા'ના લોકેશનનો વીડિયો વાયરલ: ભગવતીપરામાં વેચાણ થઈ રહ્યાનો ખુલાસો
રાજકોટમાં દારૂબંધી કડક છે અને અહીં ક્યાંય પણ દેશી-વિદેશી દારૂ મળે તેમ છે જ નહીં...આ વાક્ય જો એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી છાતી ઠોકીને કહી બતાવે તો તેમની
હિંમત’ને સલામ કરવી પડે ! જો કે આવું કહેવાની સ્થિતિમાં કદાચ કોઈ હોઈ પણ ન શકે કેમ કે રાજકોટના લગભગ દરેક વિસ્તારમાં વિદેશી દારૂ તો મળી જ રહ્યો છે સાથે સાથે દેશી દારૂનું શેરીએ શેરીએ વેચાણ થઈ જ રહ્યું છે જેનો પૂરાવો દરરોજ પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી પરથી મળી જાય છે. આ બધાની વચ્ચે હવે તો પોલીસ માટે શરમની વાત કહી શકાય તેમ ગૂગલ મેપ ઉપર દેશી દારૂના અડ્ડાનું સરનામું બતાવવા લાગ્યું હોવાથી સ્થિતિ કેટલે અંશે બગડી ગઈ છે તેનો ખ્યાલ આવી જશે.
સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગૂગલ મેગ ઉપર ભગવતીપરાનું લોકેશન જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે `દેશી દારૂ કા અડ્ડા’ તેવું લખાણ પણ લખેલું દેખાતું હોવાથી હવે પોલીસની બૂટલેગરો ઉપર કોઈ જ શાખા રહી ન હોય તેવું કહેવામાં કોઈ અતિશ્યોક્તિ હોવી જોઈએ નહીં.
હવે પોલીસ અહીં દરોડો પાડીને અડ્ડો બંધ કરાવે છે કે પછી આ પ્રકારના વીડિયોને હસી કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે…!