બોલો, શું તકલીફ છે ? કમિશનરે ડેલીએ જઈ સાંભળી ફરિયાદ !
વોર્ડ નં.૧૪માં પાણી, ગટર, લાઈટ, સફાઈ સહિતના મુદ્દે જાણી લોકોના મનની વાત'
ચેમ્બર છોડીને લોકોના ઘર સુધી પહોંચ્યા હોય તેવા કમિશનર વર્ષો બાદ મુકાયા !
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નવતર અભિગમ અખત્યાર કરી રહેલા તુષાર સુમેરાએ લોકોની ડેલીએ જઈને તકલીફ જાણી હતી. આ સાથે જ ચેમ્બરમાં બેસીને જ રાજકોટનોવિકાસ’ કરવાનું પ્લાનિંગ કરવાને બદલે રસ્તા પર ઉતરીને કામ કરવાની શૈલી ધરાવતાં મ્યુ.કમિશનર ઘણા લાંબા સમય બાદ મુકાયા હોવાનો અહેસાસ રાજકોટવાસીઓ કરી રહ્યા છે.

મ્યુ.કમિશનર સુમેરાએ વોર્ડ નં.૧૪માં આવેલી વોર્ડ ઓફિસમાં જઈને વોટર વર્કસ, બાંધકામ, ડે્રનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લગતી માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ ઉપરાંત આ વોર્ડના લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો ઉકેલ આવ્યો કે નહીં તેની જાણકારી પણ મેળવી હતી.
બીજી બાજુ જે લોકોએ ફરિયાદ કરી હતી તેમના ઘેર જઈને તેમની ફરિયાદનું નિવારણ આવ્યું છે કે નહીં તે અંગેની પૂછપરછ પણ કરી હતી સાથે સાથે સોરઠિયાવાડી સર્કલના રિ-ડેવલપમેન્ટનું કામ ક્યાં પહોંચ્યું છે તેને લઈને એજન્સીના પ્રતિનિધિ સાથે ચર્ચા કરી હતી.
આધાર કેન્દ્રમાં પીવાના પાણી-મંડપ-બેઠક વ્યવસ્થા કરવા આદેશ
મ્યુ.કમિશનરે સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાર્યરત આધાર કેન્દ્રની મુલાકાત લીધા બાદ જવાબદાર અધિકારીઓને અરજદારો માટે પીવાના પાણી, મંડપ, બેઠક વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો સાથે સાથે ટોકન નંબર માઈક મારફતે બોલવાની સુચના પણ આપી હતી.
