મહાપાલિકા માટે ચા અમૃત’, બાકી બધું ઝેર’ !!
મિઠાઈ, નમક, ફરસાણ, તેલ, ઘી સહિતની લગભગ દરેક વસ્તુના નમૂના લેવાય પરંતુ છેલ્લા એકાદ વર્ષથી ચાના નમૂના જ નહીં લેવાતાં પ્રબુદ્ધ નાગરિકોએ પૂછયો અણિયાળો સવાલ
રાજકોટમાં દરરોજ હજારો લીટર ચા પીવાઈ જતી હોવા છતાં તે શુદ્ધ' જ હશે તેવું માનીને ફૂડ શાખા ક્યાંક ભૂલ તો નથી કરતી ને ? અનેક
નામાંકિત’ હોટેલો પર રકાબીમાં ચા કાઢ્યા પછી પાંચ મિનિટ એમ જ મુકી દેવાય એટલે અલગ જ કલરની ઝાંય બની જાય છે તેનું શું કારણ ?
કહેવત છે ને કે ગુજરાતમાં રાજકોટ જ એકમાત્ર એવું શહેર છે જ્યાં બબ્બે વખત સવાર પડે છે ! આ વાત સાચી પણ ગણવી જ રહી કેમ કે અહીં એક તો મુળ સવાર પડે છે સાથે સાથે બપોરે ૪ વાગ્યા બાદ બીજી વખત સવાર થાય છે. આવું એટલા માટે કેમ કે બપોરે ૧થી ૪ દરમિયાન મોટાભાગનું રાજકોટ આરામ જ કરતું હોય છે. આ બન્ને સવારમાં ફ્રેશ' થવા માટે લગભગ દરેક રાજકોટીયન્સને ચા કે જેને
અમૃત’ ગણવામાં આવે છે તે તો જોઈએ એટલે જોઈએ જ…જો કે જેમ જેમ ચા પીવાના પ્રમાણમાં વધારો થતો ગયો તેમ તેમ તેનો ધંધો પણ વિકસતો ગયો અને હાલની તારીખે રાજકોટમાં ચાનું વેચાણ કરોડોને આંબી રહ્યું છે. આ બધાની વચ્ચે એક અત્યંત મહત્ત્વનો અને જરૂરી સવાલ એ ઉઠી રહ્યો છે કે મહાપાલિકાની ફૂડ શાખા શા માટે ચામાં ભેળસેળ થઈ રહી છે કે નહીં તેનું ચેકિંગ નથી કરતી કે ચાના નમૂના નથી લેતી ?
પ્રબુદ્ધ નાગરિકોએ સ્પષ્ટ જણાવ્યું કે શું મહાપાલિકા માટે ચા અમૃત' હશે અને બાકી બધું
ઝેર’ હશે ? આવો પ્રશ્ન એટલા માટે કેમ કે એકદમ એક્ટિવ' બનીને કામ કરી રહેલી ફૂડ શાખા દર સપ્તાહે અલગ-અલગ ખાદ્યવસ્તુઓ જેવી કે મિઠાઈ, નમક, ફરસાણ, ઘી, તેલ સહિતના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે ત્યારે શા માટે શહેરોની હોટેલો તેમજ નાના-મોટા થડા ઉપર વેચાતી ચાના નમૂના લેવામાં આવતાં નથી ? ચાના નમૂના લેવા એટલા માટે જરૂરી બની જાય છે કેમ કે રાજકોટમાં દરરોજ હજારો લીટર ચા પીવાઈ જાય છે એટલા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે જોવું ખાસ જરૂરી બની જાય છે. લોકોએ દાખલા સાથે એવું પણ ઉમેર્યું કે શહેરની અનેક
નામાંકિત’ હોટેલો એવી છે જ્યાં રકાબીમાં ચા રેડ્યા બાદ થોડી વાર પછી જોઈએ તો ચા ઉપર અલગ જ કલરની ઝાંય જોવા મળતી હોય છે ત્યારે આ કોઈ પ્રકારની ભેળસેળ તો નહીં હોય ને ? તે ખરાઈ કરવી મહત્ત્વની છે. હવે ફૂડ શાખા આ દિશામાં ધ્યાન આપી હોટેલો-થડા પર વેચાતી ચાના નમૂના લ્યે તે આવશ્યક છે.
હોટેલો સીલ કરી દેવાય તો પછી ચાનો નમૂનો કેમ ન લેવાય ?
મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ચાની ત્રણેક જેટલી હોટેલ સીલ કરી દેવામાં આવી છે. આ હોટેલો બેફામ ગંદકી કરતી હોય તેના સામે સીલિંગ કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહી બાદ લોકો પૂછી રહ્યા છે કે ગંદકી બદલ હોટેલો સીલ કરી દેવાય છે તો પછી એ જ રીતે શહેરની અલગ-અલગ હોટેલો અને થડા પરથી ચાના નમૂના શા માટે લેવામાં આવતાં નથી ?
મશીનમાં બનતી સોડા પણ ગળા-પેટ માટે ખતરનાક
માત્ર ચા જ નહીં બલ્કે શહેરમાં અનેક દુકાનો એવી છે જ્યાં મશીનની સોડા વેચવામાં આવી રહી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે મશીનમાં તૈયાર થયેલી આ સોડા પીવામાં આવે એટલે ગળામાં જોરદાર બળતરા થાય છે જે સારી બાબત નથી. આટલું જ નહીં આ પ્રકારની સોડા પેટ માટે પણ ખતરનાક બની જાય છે એટલા માટે મહાપાલિકાએ આ પ્રકારની સોડાના નમૂના પણ લેવા જોઈએ.
શું કોઈનું દબાણ આવતું હશે ?
અંદાજે એક-દોઢ કે કદાચ તેના કરતા વધુ વર્ષ પહેલાં મહાપાલિકા દ્વારા શહેરમાંથી ચાના નમૂના લેવામાં આવ્યા હતા પરંતુ આટલો સમય વીતી ગયો છતાં ચાના નમૂના લેવાઈ રહ્યા ન હોવાથી એવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી કે શું ચાના નમૂના નહીં લેવા માટે કોઈનું દબાણ આવતું હશે કે પછી મહાપાલિકા જ ચાને `અમૃત’ ગણીને કામગીરી કરતી હશે ?
નોનવેજ-ઈંડાની રેંકડીએ તો એક રાઉન્ડની ખાસ જરૂર
ચા, મશીનની સોડા ઉપરાંત ફૂડ શાખા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઉભી રહેતી નોનવેજ-ઈંડાની રેંકડીઓ તેમજ નોનવેજની હોટેલોમાંથી શા માટે નમૂના લઈ રહી નથી તે વાત પણ કોઈને ગળે ઉતરી રહી નથી. આ મુદ્દો એટલા માટે ચર્ચામાં લેવો જરૂરી બની જાય છે કેમ કે ઈંડા-નોનવેજની રેંકડીઓ પર વાનગીમાં વપરાતી સામગ્રી હલકી કક્ષાની હોવાના આરોપ અનેક વખત લાગી ચૂક્યા છે એટલા માટે અહીં પણ એક રાઉન્ડની ખાસ જરૂર છે.
પ્લાસ્ટિકની જગ્યાએ પેપર કપમાં ચા વેચાય છે પણ તે કપમાં કોટિંગ પ્લાસ્ટિકનું જ !
જાણકારોએ એવું પણ જણાવ્યું કે પ્લાસ્ટિકને કારણે સ્વાસ્થ્યને નુકસાન જતું હોવાથી પ્લાસ્ટિકથી બનેલા કપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને હવે તેની જગ્યાએ પેપર કપમાં ચા અપાઈ રહી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પેપર કપની અંદર પ્લાસ્ટિંકનું જ કોટિંગ કરેલું હોય છે જે ગરમાગરમ ચા રેડાયાની મિનિટોમાં જ ઓગળી જતું હોય સ્વાસ્થ્ય માટે તે પણ હાનિકારક જ છે.