તંદુરી રાજકોટ ! 43.7 ડિગ્રી
44.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સગડી બન્યું, 44.2 ડિગ્રી સાથે અમદાવાદ અગનગોળો : રાજકોટમાં ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ
રાજકોટ : ઓણસાલ ઉનાળો આકરો સાબિત થઇ રહ્યો છે, હીટવેવ અને વરસાદની સજોડે આગાહી વચ્ચે આજે સમગ્ર ગુજરાત આકરા તાપમાં રીતસર ઉકળી ઉઠ્યું હતું, રાજ્યમાં સુરેન્દ્રનગર શહેર સૌથી વધુ ગરમ રહ્યું હતું, શુક્રવારે સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જયારે અમદાવાદમાં 44.2 ડિગ્રી અને રાજકોટમાં 43.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે શુક્રવાર રાજકોટ માટે સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો.
ચાલુ અઠવાડિયામાં કુદરતના અનોખા મિજાજનો પરિચય થઇ રહ્યો છે એક તરફ વરસાદની આગાહી અને બીજી તરફ હિટવેવની આગાહી વચ્ચે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે શુક્રવારનો દિવસ ગુજરાત માટે સૌથી ગરમ રહ્યો હતો, શુક્રવારે સુરેન્દ્રનગરમાં 44.7, અમદાવાદમાં 44.2, ભુજમાં 43.8, રાજકોટમાં 43.7, ગાંધીનગરમાં 43.5, અમરેલીમાં 43.2, વડોદરામાં 42.2, ભાવનગરમાં 39.7, પોરબંદરમાં 36.7 ડિગ્રી, સુરતમાં 35.8, કંડલામાં 37.5 મહત્તમ તાપમાન નોંધાયું હતું, સાથે જ રાજકોટ માટે શુક્રવારનો દિવસ સૌથી વધુ ગરમ રહ્યો હતો.