લાંચ કેસમાં પકડાયેલ તલાટીમંત્રીને ત્રણ વર્ષની સજા
કાલાવડ તાલુકામાં વર્ષ 2009માં ૧૫ હજારની લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રી મહેન્દ્ર સાકરચંદ સંઘવીને ખાસ અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો છે.ખાતેદાર ફરીયાદી ભરતભાઇ રાબડીયાને કોઝવેમાંથી પોતાની જમીન સુધી પાઇપલાઇન લઇ જવા માટે મંજુરી આપવાના બદલામાં રૂપિયા પંદર હજારની લાંચની માંગણી કરેલ જે અંગે ગોઠવાયેલ લાંચના છટકામાં રૂપિયા સ્વીકારતા તલાટીમંત્રી પકડાયા હતા.
તલાટી મંત્રી મહેન્દ્ર સાકરચંદ સંઘવીએ ફરીયાદીએ કાલાવડમાં મણવર નદીના કોઝવેમાંથી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન લઇ જવા માટે મંજુરી માંગેલ હતી. આ મંજુરી આપવાના બદલામાં આરોપીએ રૂા.15000ની માંગણી કરેલ હતી જેમાંથી રૂા.8000 ફરીયાદીએ આરોપીને ચુકવી આપેલ હતા. બાકીના રૂા.7000 માટે ફરીયાદીએ રકમ ઓછી કરવા માટે વિનંતી કરતા આરોપીએ રૂા. 6000 આપવાનું નક્કી કયું હતું. ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ નોંધાવતાએસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને મહેન્દ્ર સાકરચંદ સંઘવી રંગે હાથ પકડાયા હતા. સરકાર પક્ષેની આ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ બી.બી.જાદવે આરોપી મહેન્દ્ર સાકરચંદ સંઘવીને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા.15000નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.
