ડાંગર કોલેજમાં એડમિશન લીધું એ જ અમારી મોટી ભૂલ
વિદ્યાર્થીઓએ
વૉઈસ ઑફ ડે’ સમક્ષ ઠાલવી હૈયાવરાળ
- ચેકિંગ દરમિયાન કોઈ પાસે સ્માર્ટફોન મળી આવે એટલે ૨૦૦થી ૫૦૦ રૂપિયા દંડ, કોઈને ક્લાસમાં આવતાં ૧૦ મિનિટનું મોડું થાય તો ગેરહાજરી પૂરવી, વાલીઓને
પૈસા ન હોય તો અહીં ભણાવાય જ નહીં' તેવા કડવા વહેણ કહેવા, વિદ્યાર્થીઓના
વૉટસએપ’ ચેટધરાર' જોવા સહિતના
અમાનુષી’ સીતમથી ત્રાહિમામ
- સેમેસ્ટર શરૂ થાય એટલે તુરંત ફી ભરવાની, જો ન ભરાય તો દરરોજ લાગતી ૧૦૦ રૂપિયાની પેનલ્ટી, કોઈના ઘરમાં મોભી ગુજરી ગયા હોય, કોઈના પિતા મજૂરી કામ કરીને પેટીયું રળતાં હોય તેમને પણ ફી માટે રીતસરના ખખડાવી નાખ્યાના અનેક કિસ્સા
- વિદ્યાર્થીઓને ભારે હૈયે કહ્યું, અમે આખો દિવસ જેલમાં જ રહેતાં હોય તેવો થઈ રહેલો અનુભવ, કાર્યવાહી કરવાની કોઈ પણ તંત્ર હિંમત નથી કરી રહ્યું
ડૉક્ટર બનવાના મહામૂલા સ્વપ્નને લઈને બી.એ.ડાંગર કોલેજમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ અત્યારે કોલેજના અણઘડ વહીવટથી કંટાળીને રીતસરના પોક મુકીને રડી રહ્યા છે !! અત્યાર સુધી આ દિશામાં કોઈએ ધ્યાન ન્હોતું આપ્યું પરંતુ ગેરરીતિઓને જડમૂળથી દૂર કરવાનું બીડું ઝડપી લેનાર વૉઈસ ઑફ ડે' દ્વારા વિદ્યાર્થીઓનો
અવાજ’ બનવામાં આવી રહ્યું છે ત્યારે ખુદ વિદ્યાર્થીઓએ જ આ અભિગમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવવાની સાથે જ પોતાની હૈયાવરાળ પણ ઠાલવી હતી. વિદ્યાર્થીઓએ વૉઈસ ઑફ ડે'ને કહ્યું કે અમારી સૌથી મોટી ભૂલ એક જ છે કે અમે બી.એ.ડાંગર કોલેજમાં એડમિશન લીધું છે !! આ પસ્તાવો અમને કાયમ માટે રહેશે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કોલેજના જવાબદારો વિદ્યાર્થીઓ પર રીતસરના
તાનાશાહ’ જેવું વર્તન કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓનું ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવે છે અને તે દરમિયાન જો કોઈ પાસે સ્માર્ટફોન મળી આવે એટલે સીધો તેને ૨૦૦થી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવે છે.
જો કોઈને ક્લાસમાં આવવામાં પાંચથી દસ મિનિટનો વિલંબ થઈ જાય એટલે સીધી તેની ગેરહાજરી પૂરી દેવામાં આવે છે. આ ગેરહાજરી વિદ્યાર્થીઓને જ્યારે એન.ઓ.સી. લેવાનું હોય ત્યારે નડતરરૂપ બને છે અને એ નડતર દૂર કરવાના બદલામાં પૈસા ચૂકવવા પડતા હોવાનો આક્ષેપ ખુદ વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ અત્યાર સુધીમાં અનેક વાલીઓને પૈસા ન હોય તો અહીં ભણાવાય જ નહીં' તેવા કડવા વહેણ પણ કહેવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થિની હોય તેની
વૉટસએપ ચેટ’ને ધરાર' જોવા સહિતના અમાનુષી સીતમ ગુજારવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ એવો ખુલાસો પણ કર્યો કે સેમેસ્ટર શરૂ થાય એટલે અમારે તુરંત ફી ભરી દેવાની હોય છે. જો ફી ભરપાઈ કરવામાં મોડું થઈ જાય એટલે કોલેજ દ્વારા દરરોજ ૧૦૦ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવે છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને ફીની વ્યવસ્થા કરવામાં ૧૫થી ૨૦ દિવસનું મોડું થઈ ગયું છે ત્યારે આવા વિદ્યાર્થીઓ પાસેથી ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા લઈ લેવામાં આવે છે.
આ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી કેમ કે કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ અત્યંત ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે. બે વિદ્યાર્થીના દાખલા આપતાં જણાવાયું કે બેમાંથી એક વિદ્યાર્થી એવો છે જેના ઘરના મોભી ગુજરી ગયા હતા જેના કારણે ફીની વ્યવસ્થા કરવામાં મોડું થયું હતું. આવી જ રીતે એક વિદ્યાર્થિની એવી કે જેના પિતા મજૂરીકામ કરીને પેટીયું રળે છે તેમનાથી પણ ફીની વ્યવસ્થા કરવામાં વિલંબ થવાને કારણે કોલેજના જવાબદારો દ્વારા
પૈસા ન હોય તો શું કામ અહીં ભણાવતા જ હશો’ તેવું કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આવા તો અનેક કિસ્સાઓ અહીં બન્યા છે.
એકંદરે વિદ્યાર્થીઓ સાથે આટલું ખોટું થઈ રહ્યું છે છતાં કોઈ જ જવાબદાર તંત્ર તેની સામે કાર્યવાહી કરવાની હિંમત કરી રહ્યું નથી જે સૌને અકળાવનારી વાત છે.
વિદ્યાર્થીઓએ છાતી ઠોકીને કરેલો દાવો, ૪ વખત એક્તા સોસાયટીમાંથી ૨૦૦-૨૦૦ ચૂકવીને બનાવટી' દર્દીઓ લાવ્યા !!
વૉઈસ ઑફ ડે’ સમક્ષ વિદ્યાર્થીઓએ છાતી ઠોકીને દાવો કર્યો હતો કે ૨૦૨૩ના વર્ષમાં બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજ-હોસ્પિટલમાં દિલ્હીથી ચાર વખત ઈન્સ્પેક્શન આવ્યું છે પરંતુ ન જાણે નારાયણ કે જવાબદારોને આ ઈન્સ્પેક્શનની આગોતરી' જાણ થઈ જતી હોવાથી તેઓ ચેકિંગ કરવા આવનારા સ્ટાફે ઉલ્લું બનાવવાનો પ્લાન અગાઉથી જ ઘડી કાઢે છે. ચેકિંગ વખતે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ બતાવવા માટે વિદ્યાર્થીઓને જ હાથો બનાવીને તેમને આસપાસની સોસાયટીઓમાં મોકલવામાં આવે છે. આ વર્ષમાં અમે ચાર વખત કોલેજની બાજુમાં જ આવેલી એક્તા સોસાયટીમાંથી ૨૦૦-૨૦૦ રૂપિયા ચૂકવીને
બનાવટી’ દર્દીઓ લાવ્યા છીએ અને દર્દીઓ શોધી લાવવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ પણ કરવામાં આવે છે.
યુનિવર્સિટી દ્વારા એક કલાક વહેલું પેપર ઈ-મેઈલ થઈ જતું હોવાથી ઉઠાવાઈ રહેલો ફાયદો
વિદ્યાર્થીઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે જ્યારે પરીક્ષા લેવામાં આવે ત્યારે પરીક્ષાના એક કલાક પહેલાં કોલેજને ઈ-મેઈલ મારફતે પેપર મોકલી દેવામાં આવે છે. બીજી બાજુ બી.એ.ડાંગર કોલેજનું ઈ-મેઈલ એકાઉન્ટ એક ચોક્કસ વ્યક્તિના મોબાઈલ સાથે જોડાયેલું હોવાથી જેવું એક કલાક વહેલું પેપર આવે એટલે આ જવાબદાર વ્યક્તિ તેના લાગતાં-વળગતાંઓને વહેલું પેપર મોકલી દે છે ! એકંદરે પરીક્ષામાં પણ ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે.
તમારે અહીં બુક વાંચવાની જ ન હોય, ચેમ્બરની બહાર નીકળ્યા એટલે ખેર નથી !
વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ પણ કર્યો કે દરેક વિદ્યાર્થીને ૬ કલાકની ટે્રનિંગ હોય છે. જો કે ડાંગર કોલેજમાં દર્દીઓ આવતાં જ નહીં હોવાને કારણે માંડ માંડ એકાદ કલાકમાં કામ પૂરું થઈ જતું હોય છે. આ પછીની પાંચ કલાક વિદ્યાર્થીઓએ શું કરવું તેની ચિંતા થવા લાગે છે કેમ કે મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોય છે. આ પછી જો કોઈ વિદ્યાર્થી પુસ્તક વાંચતો હોય તો તેનું વાંચન પણ કરવા દેવાતું નથી અને પુસ્તક જપ્ત કરી લેવામાં આવે છે. એકંદરે ૬ કલાક દરમિયાન કોઈ વિદ્યાર્થી મેડિસીન, સર્જરી, ગાયનેક અને પીડિયાટ્રિશ્યન વિભાગમાં બહાર નીકળે એટલે તેનો `વારો’ કાઢી નાખવામાં આવે છે.