રાજકોટ લોકસભા બેઠકમાં 70 ટકા મતદાન થાય તે માટે તંત્રના પ્રયાસો
વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં 69.5 ટકા અને રાજકોટ બેઠકમાં 66 ટકા મતદાન થયું હતું
50 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવી બેઠકો તેમજ પુરુષ મતદારોની તુલનાએ સ્ત્રી મતદારોએ 10 ટકાથી ઓછું મતદાન કર્યું હોય તેવી બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો
રાજકોટ : લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ હવે ગત વિધાનસભા ચૂંટણીમાં જે જે બેઠક ઉપર 50 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવી બેઠકો ઉપરાંત જે બેઠકમાં પુરુષ મતદારોની તુલનાએ સ્ત્રી મતદારોએ 10 ટકાથી ઓછું મતદાન કર્યું હોય તેવી બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકમાંથી 70 ટકા મતદાન થાય તે માટે અત્યારથી જ પ્રયાસો તેજ બનાવ્યા છે.
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ હાલમાં રાજકોટ જિલ્લામાં 50 ટકા કરતા ઓછું મતદાન થયું હોય તેવા વિધાનસભા મતક્ષેત્રને અલાયદા તારવી મતદાન વધારવા પ્રયાસો કરવામાં આવશે ખાસ કરીને જિલ્લામાં 124 બુથ એવા છે જેમાં 50 ટકા કરતા ઓછું મતદાન થયું હતું જેમાં 69 રાજકોટ પશ્ચિમમાં 32 બુથ છે તેમજ ધોરાજીમાં 30 બુથ આવા હોય સ્વીપ અંતર્ગત આવા મતક્ષેત્રમાં જનજાગૃતિ માટે વધુ પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં ગત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને જ્યાં પુરુષ અને મહિલાના મતદાન વચ્ચે 10 ટકા તફાવત છે તેવા રાજકોટ જિલ્લામાં 907 બુથ આવેલા હોય 100 પુરુષોએ 90 અથવા તેનાથી ઓછા મહિલાઓએ મતદાન કર્યું હોય તેવા મતદાન કેન્દ્રોમાં મતદાતા જાગૃતિ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટ ગ્રામ્યના આવા સૌથી વધુ 173 બુથ છે. ગ્રામ્ય વિસ્તારમાં જ મહિલાઓનું ઓછું મતદાન કરતા હોય તેવી સ્થિતિમાં વિધાનસભા 68માં 74 બુથ, વિધાનસભા 69માં 77 બુથ અને વિધાનસભા 70માં આવા 101 બુથ આવેલ હોય તમામ મતદાન કેન્દ્રોમાં સ્ત્રી મતદારોનું મતદાન વધે તેવા કાર્યક્રમો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં દેશની 542 લોકસભા બેઠકોમાં નોંધાયેલા 88,05,32,803 મતદારો પૈકી 61,20,81,902 મતદારોએ મતદાન કરતા દેશમાં કુલ 69.5 ટકા મતદાન થયું હતું. સાથે જ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યનું મતદાન 64.84 ટકા મતદાન થયું હતું અને ગત લોકસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં 66 ટકા મતદાન થયું હોય જે મતદાનનો આંકડો 70 ટકા સુધી લઈ જવા સ્વીપ અંતર્ગત વધુને વધુ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.