`ઈશ્વર ઘૂઘરા’માંથી શરીર માટે અત્યંત જોખમી મીઠી ચટણી પકડાઈ
ચટણીમાં સિન્થેટિક કલર સહિતની ભેળસેળનો ખુલાસો: ફૂડ શાખાએ ૩૭ જગ્યાએ કરેલા ચેકિંગમાં ૨૦ ધંધાર્થી પાસે લાયસન્સ જ ન્હોતું
ખાણીપીણીના શોખીન એવા રાજકોટીયન્સ બીજું કશું ખાય કે ન ખાય પરંતુ દિવસમાં એકાદ વખત ઘૂઘરાનો ચટાકો લેવાનું ચૂકતા હોતા નથી. એટલા માટે જ શહેરમાં ઘૂઘરાના વેપારીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આખો દિવસ જ્યાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળે છે તે હાથીખાના શેરી નં.૧૩માં આવેલા ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને ત્યાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન શરીર માટે અત્યંત જોખમી એવી મીઠી ચટણી પકડાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મીઠી ચટણીની તપાસ કરવામાં આવતાં તેમાં સીન્થેટિક ફૂડ કલર ટાર્ટાઝીન અને સનસેટ યેલ્લોની હાજરી હોવાને કારણે તે પરિક્ષણમાં ફેઈલ જતાં હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે આ પ્રકારની ચટણી ખાવાથી કેન્સર સહિતના રોગ થવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, વિમલનગર ચોક, એ.જી.ચોક-હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની ૩૭ જેટલી રેંકડી-દુકાનોનું ચેકિંગ કરવામાં આવતાં ૨૦ ધંધાર્થી પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેને નોટિસ ફટકારી તાત્કાલિક લાયસન્સ લઈ લેવા સુચના અપાઈ હતી.
જ્યારે કોઠારિયા રોડ પર ફાયરબ્રિગેડની બાજુમાં આવેલી ન્યુ કનૈયા ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ), આ જ વિસ્તારમાં આવેલી જય કિશાન ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ) અને નાનામવા રોડ પર આવેલી ન્યુ કૈલાશ ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ)ના નમૂના લઈ તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
