પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર ઘેનમાં સરી પડવા મામલે સુપરવાઈઝર ઘરભેગો
ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીની બેસ્ટને બદલે બોગસ સર્વિસ મામલે નોટિસ : તપાસ શરૂ
રાજકોટ : તાજેતરમાં રાજકોટના કનકરોડ ઉપર આવેલ પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરના તમામ કર્મચારીઓ સુતા હોય તેવો એક વિડીયો વાયરલ થવા પ્રકરણમાં રાજકોટ સીટી સર્કલ-2 દ્વારા પ્રાથમિક નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ નાઈટ શિફ્ટના જવાબદાર સુપરવાઈઝરને ઘરભેગો કરી દેવામાં આવ્યો છે. જો કે, ફક્ત નોટિસથી જ કાર્યવાહી પૂર્ણ કરવાને બદલે સમગ્ર મામલે પીજીવીસીએલ દ્વારા બેસ્ટને બદલે બોગસ સર્વિસ મામલે ભવાની ઇલેક્ટ્રિકલ સોલ્યુશન એન્ડ ટેક્નોલોજી સામે તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ વાયરલ થયેલ વિડીયો જે ઇમેઇલ ઉપરથી આવ્યો હતો તે ઇમેઇલ એડ્રેસમાં પીજીવીસીએલનો ઉપયોગ કરાયાનું સામે આવેતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ પીજીવીસીએલ કચેરીના રાજકોટ ખાતે આવેલ સીસીસી એટલે કે, કસ્ટમર કેર સેન્ટરમાં ફરજ ઉપરનો તમામ સ્ટાફ સામુહિક નિંદ્રાવસ્થામાં ચાલ્યો જતા કોઈએ વિડીયો બનાવી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલે રાજકોટ સીટી સર્કલ-2 દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ વિડીયો રાજકોટ કનકરોડ સ્થિત કસ્ટમર કેર સેન્ટરનો હોવાનું અને કસ્ટમર કેર સેન્ટર ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજી નામની પેઢી ચલાવતી હોવાનું સામે આવતા સીટી સર્કલ -2 દ્વારા કોન્ટ્રાક્ટરને ઇમેઇલ મારફતે નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ નાઇટશિફ્ટમા તમામ કર્મચારીઓ આરામ ફરમાવતા હોવા છતાં સુપરવાઈઝર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં ન આવી હોવાનું ફલિત થતા ભરત પટેલ નામના સુપરવાઈઝરને ઘરભેગો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરના વાયરલ વિડીયો બાબતે એક ઇમેઇલ ccc.pgvcl@gmail.com ઉપરથી આવ્યો હોવાનું પણ સામે આવતા પીજીવીસીએલના નામનો ઉપયોગ કરવા મામલે પણ તપાસ ચાલુ હોવાનું અને તેમજ કસ્ટમર કેર સેન્ટરમાં એક સાથે તમામ ફરજ ઉપરનો સ્ટાફ ઊંઘી જવા પ્રકરણમાં ટેન્ડરની શરતો મુજબ હજુ પણ કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા તપાસની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે.