સિવિલના સ્ટાફ માટે અધિક્ષકની ‘સૂચના’ ,‘એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવી’
ડો.ત્રિવેદીનું કશું ઉપજતું નથી કે સ્ટાફ તેમને ગણકારતો નથી ?
વારંવાર ‘સરપ્રાઈઝ’ ચેકિંગના નામે સ્ટાફને ખખડાવ્યો ‘સુવિધા’ વધારવા લેશન આપ્યું છતાં એકનું પણ પાલન થતું હોય તો બતાવો : દર્દીઓનો પોકાર
રાજકોટની સિવિલ હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે. એવામાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓ માટેની સુવિધાઓમાં કોઈને કોઈ ખોડ ખાંપણ જોવા મળતી હોય છે અને આ ખોડ ખાંપણને સુધારવા માટે તબીબી અધિક્ષક દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી સ્ટાફના ક્લાસ લેવામાં આવે છે અને અનેક સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં પેઢી ગયેલો સ્ટાફ સિવિલ સર્જનની સૂચનાને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે છે.જેથી આમાં હેરાન તો દર્દીઓને થવાનો વારો આવે છે.
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીની સૂચનાઓનું તેનો સ્ટાફ જ પાલન નથી કરી રહ્યું હોસ્પિટલમાં થતી કામગીરીને જોવા માટે સુપ્રિટેન્ડેન્ટ અવાર નવાર સરપ્રાઈઝ ચેકિંગ કરે છે અને ચેકિંગ દરમિયાન સ્ટાફને અવનવી સૂચનાઓ આપે છે. જેમાં તેની સૂચનાઓની પાલન તો શું સ્ટાફ દ્વારા ગણકારવામાં પણ નથી આવતી અને અપાયેલી સૂચનાઓનું પાલક કરાઇ રહ્યું છે કે કેમ ? તે બાબત પર તપાસ કરવાનો સમય પાછો સુપ્રિટેન્ડેન્ટ પાસે હોતો નથી જેથી આમાં હેરાન થવાનો વારો તો અંતે દર્દીઓનો આવે છે. સુપ્રિટેન્ડેન્ટ ડો. ત્રિવેદી જ્યારે જ્યારે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા ત્યારે તેમને ઓપીડી વિભાગમાં કેસ બારી અને દવા બારી પર ટ્રાફિક જોઈ તેની સંખ્યા વધારવા માટે કહ્યું હતું. બર્ન્સ વિભાગને તોડી તેની જગ્યા મોટી કરવા માટે સૂચના આપી હતી. ઇમરજન્સી વિભાગ અને મેડીસિન વિભાગમાં દર્દીને વ્હીલ ચેર-સ્ટ્રેચર મળી રહે તેવી અનેક સૂચનાઓ આપી હતી પરંતુ તેમાંથી એક પણ સૂચનાનું સ્ટાફ દ્વારા પાલન કરવામાં નથી આવ્યું તેવો દર્દીઓ દ્વારા પોકાર કરવામાં આવ્યો છે. જેથી જોવાનું તે રહ્યું કે હવે તબીબી અધિક્ષક દ્વારા સ્ટાફ સામે કેવા આકરા પગલાં લેવામાં આવે છે.
નવી કેસબારી અને દવાબારી બનાવવાની સૂચના 6 માસ પૂર્વે આપી’તી તો પણ હજુ કઈં નથી થયું
તબીબી અધિક્ષક ડો. ત્રિવેદી છ માસ પૂર્વે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા ત્યારે ઓપીડી વિભગમાં કેસબારી અને દવાબારી પર લાગેલી લાઈનો જોઈ ચોંકી ઉઠયા હતા અને તેનો નિવેડો લાવવા બંને બારીઓનો વધારો કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર ખાલી રહેલી જગ્યા પર બંને બારીઓ ચાલુ કરવાની વ્યવસાથ કરી આપવા કહ્યું હતું પરંતુ તે વાતને તો 6 મહિના વીતી ગયા છતાં કોઈ નવી બારી બનાવવામાં આવી નથી
સુપ્રિટેન્ડેન્ટે કહ્યું નવો બર્ન્સ વિભાગ બની જશે પરંતુ ક્યારે ???
તબીબી અધિક્ષક ડો. ત્રિવેદી આશરે 9 માસ પૂર્વે કહ્યું હતું કે, બર્ન્સ વિભગાને મોટો કરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવવાની છે પરંતુ હજુ સુધી બર્ન્સ વિભગમાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી બર્ન્સ વિભાગ તેમનો તેમ ભૂતિયા બંગલા જેવો પડ્યો છે.
રોડ રસ્તા સરખા કરવાનું કામ ત્રણ માસથી ચાલી રહ્યું છે તો પણ હજુ પૂરું નથીં થયું
સિવિલ હોસ્પિટલના રોડ રસ્તાને મરમત કરવાનો પ્રશ્ન તો હમેશાં સળગતો જ રહ્યો છે. ત્યારે રસ્તા બનાવવાની ગ્રાન્ટ સરકારે ફાળવી દેતા તેનું કામ આશરે ત્રણ માસ પૂર્વે શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તે કામ ચાલી જ રહ્યું છે રામ જાણે કે તે કામ ક્યારે પૂર્ણ થશે અને સિવિલ હોસ્પિટલને નવા રસ્તા મળી રહેશે.
બધુ તો ઠીક પણ દર્દીઓને આમાં પાણી કેમ પીવા જવું !!!
સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગના પાંચમા મળે રહેલા વોટર કુલરની દયનીય સ્થિતિ એવી થઈ ગઈ છે કે,દર્દીઓ અને તેમના સગાઓને પાણી પીવા જતાં પહેલા વિચારવું પડે છે કે આમાં પાણી પીવું તો કઈ રીતે એક મામૂલી વોટર કુલરની પણ જાળવણી પેઢી ગયેલા સ્ટાફ દ્વારા થતી નથી તો આમાં બીજી વસ્તુની વાત તો શું કરવી