એસટીનું એરપોર્ટ જવા માટેનું ઘોડું દશેરાએ જ ન દોડ્યું
સાંજે 5:15 કલાક અને 5:35 કલાકે એરપોર્ટ ઉપર ફ્લાઇટનું આગમન, પરંતુ એસ.ટી.ના ડી. સીએ4:15 કલાકે બસને પ્રસ્થાન કરાવી
બસ એક કલાક બાદ એરપોર્ટ પહોંચે ત્યારે ફ્લાઇટ ઉપડી જાય અને મુસાફરોને પણ બોર્ડિંગ પાસ માટે એક કલાકનો સમય જતો રહે
હીરાસર એરપોર્ટ જવા માટે રાજકોટ એસટી પોર્ટ ઉપરથી સૌ પ્રથમ ઇલેક્ટ્રીક એસી બસ સાંજે 4:15 કલાકે ધારાસભ્ય દર્શિતાબેન શાહે બસને તિલક કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. અગાઉ રવિવારે સવારથી જ એરપોર્ટ જવા માટે બસ શરૂ થશે તેવી રાજકોટ એસટીના ડીસી કરોતરાએ જાહેરાત કરી હતી. રવિવારે પ્રથમ ફ્લાઈટમાં જવા માટે વહેલી સવારે આવેલા મુસાફરોને ધક્કા થયા હતા અને એસટીનું એરપોર્ટ જવા માટેનું ઘોડું દશેરાએ જ ન દોડ્યું હિરાસર એરપોર્ટથી સાંજે 5:30 કલાકે મુંબઈની ફ્લાઈટ ઉપડવાની હતી અને રાજકોટ એસટીના સત્તાવાળાઓ ફ્લાઈટના ટાઈમ ટેબલ ની “એસી-તેસી” કરી મન પડે તે રીતે બસના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજી મુસાફરોને રીતસરના પ્રથમ દિવસે જ મૂર્ખ બનાવ્યા હતા. એસટીના ડીસી કરોતરા એરપોર્ટ ઉપરથી ફ્લાઈટ કેટલા વાગે આવશે? અને ફ્લાઈટ કેટલા વાગે ઉપડશે? તેની જાણકારી વગર જ રવિવારે ઇલેક્ટ્રીક એસી બસનું પ્રસ્થાન કરાવ્યું તે બાબતે મુસાફરોમાં ભારે ટીકા થઈ હતી.
મુસાફર બસ પોર્ટ આવ્યો પરંતુ બસ ન ઊપડતાં ખાનગી કારમાં જતો રહ્યો
રાજકોટ એસટી પોર્ટ ઉપર રવિવારે સાંજે 5:30 કલાકની ફ્લાઈટમાં મુંબઈ જવા માટે મુસાફર 4 વાગ્યે હીરાસરની બસમાં બેસવા માટે આવ્યો ત્યારે બસ ઉપડવામાં હજુ વાર લાગશે તેવું એસટી તંત્ર દ્વારા જણાવતા મુસાફરે ખાનગી કાર ભાડે કરી હીરાસર એરપોર્ટ જવા નીકળી ગયો હતો. સાંજે 5:30 કલાકની મુંબઈની ફ્લાઈટ હતી એક કલાક બોર્ડિંગ પાસ માટે સમય લાગે તે તમામ બાબતોને એસટીના ડીસી કરોતરાને જાણ નહીં હોય. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો રાજકોટ એસટી પોર્ટ ઉપર તાલ સર્જાયો હતો અને પ્રથમ દિવસે જ મુસાફર વગર જ ખાલી બસને હિરાસર એરપોર્ટ જવા માટે પ્રસ્થાન કરાવી પડી હતી.
કાતરે બધાને દોડાવ્યા!
રાજકોટ એસટી પોર્ટ ઉપર તંત્રના સંકલનના અભાવે અને અણધડ આયોજનના પગલે પ્રથમ દિવસે જ એરપોર્ટ જનારા મુસાફરોને હાલાકી ભોગવી પડી હતી સાથોસાથ ઈલેક્ટ્રીક એસી બસમાં જવા માટેના દરવાજા ઉપર રીબીન લગાડવામાં આવી હતી. ધારાસભ્ય દર્શિતાબેન બસ પોર્ટ ઉપર આવ્યા ત્યારે રીબીન કાપવા માટેની કાતર ન હોવાથી દરવાજા ઉપરથી રીબીન હટાવી બસના આગળના ભાગમાં ચાંદલો કરી તેને લીલી ઝંડી આપી એરપોર્ટ જવા પ્રસ્થાન કરવી પડી હતી. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ એરપોર્ટ જવા માટે મુસાફરને બસ પોર્ટ ઉપર કયા પ્લેટફોર્મ ઉપરથી બસ મળશે તે બાબતની તેમજ રવિવારે વહેલી સવારે 6 કલાકની બદલે બસ સાંજે 4 કલાકે ઉપડશે તેવી ડીસી તરફથી કોઈ આગોતરી જાણ ન કરાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. પ્રથમ દિવસે જ રાજકોટ એસટી પોર્ટ ઉપર સવારના હિરાસર એરપોર્ટ જવા માટે એક પણ બસ ન દોડાવતા મુસાફરોની સ્થિતિ કફોડી બની ગઈ હતી અને તાત્કાલિકએરપોર્ટ જવા માટે મોંઘા ભાડા ખર્ચીને જવું પડ્યું હતું.