આરોપીના વરઘોડાની ‘જિદ્દ’ પૂરી ન થતાં પોલીસ ઉપર પથ્થરમારો
વીંછિયાના થોરિયાળી ગામે થયેલી હત્યાના ચાર આરોપીને લઈને પોલીસ રિ-ક્નસ્ટ્રક્શન કરવા ગઈ હતી
સાતથી વધુ પોલીસમેન ઘાયલ: ટીયરગેસના સેલ છોડાયા: ૨૫થી વધુની અટકાયત
ગામલોકોએ પોલીસમથકને ઘેરી લીધું: માત્ર ૨૨નો જ સ્ટાફ હોવાથી આસપાસની પોલીસ દોડાવાઈ
હત્યા, લૂંટ, છેડતી, દુષ્કર્મ, ટપોરીવેડા-લુખ્ખાવેડા કરતાં તત્ત્વોને સીધાદોર કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દરેકના વરઘોડા કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હોય રાજ્યની પોલીસ આ આદેશ પાલનના ભાગરૂપે આરોપીઓના સરઘસ કાઢી રહી છે. દરમિયાન એક સપ્તાહ પહેલાં વીંછિયાના થોરિયાળી ગામે થયેલી હત્યાના ચારેક આરોપીઓને પોલીસે પકડ્યા બાદ ઘટનાનું રિ-ક્નસ્ટ્રક્શન કરાવવા માટે ગામમાં લાવી હતી. આ વેળાએ ત્રણેક હજાર લોકોએ એકઠા થઈને તમામ આરોપીઓનો આખા ગામમાં વરઘોડો કાઢવાની જિદ્દ પકડી લેતાં પોલીસે તેમની માંગણી ગ્રાહ્ય ન રાખતાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે આઠેક પોલીસમેન ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે એક સપ્તાહ પહેલાં ઘનશ્યામ શિવાભાઈ રાજપરાની શેખા ગભરુ સાંબડ સહિતના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ ઘનશ્યામે શેખા સહિતના સામે લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કરેલી ફરિયાદ કારણભૂત હતી. ઘનશ્યામ ઉપર કુહાડી સહિતના હથિયારોથી હુમલો થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં પાંચેક દિવસ સારવાર ચાલ્યા બાદ ઘનશ્યામે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસે આ હત્યાને અંજામ આપનાર શેખા સાંબડ સહિતનાને દબોચી પણ લીધા હતા. દરમિયાન સોમવારે આરોપીઓને રિ-ક્નસ્ટ્રક્શન માટે લાવવામાં આવતાં મૃતક ઘનશ્યામની તરફેણમાં થોરિયાળી સહિતના ગામના ત્રણેક હજાર લોકો એકઠા થઈ ગયા હતા. જે પ્રકારે લોકો એકઠા થયા તેને જોતાં મામલો બિચકશે તેવું લાગી જ રહ્યું હતું. બરાબર આ જ સમયે ગામલોકો દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા અને તેને આખા ગામમાં ફેરવવાની જિદ્દ પકડતાં પોલીસે તેનો ઈનકાર કર્યો હતો જેના કારણે ઉશ્કેરાઈ જઈને પથ્થરમારો શરૂ કરી દેતાં આઠ પોલીસમેન ઘાયલ થયા હતા. વળતી કાર્યવાહીમાં પોલીસે ટીયરગેસના સેલ છોડતાં મામલો વધુ બિચક્યો હતો.
આ પછી ગામલોકોએ પોલીસ મથકને ઘેરાવ કરી લેતાં વાત વધુ બગડી હતી જેના કારણે આસપાસના ગામ તેમજ રૂરલ એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચને સ્થળ પર દોડાવાઈ હતી. આ પથ્થરમારામાં સામેલ ૨૫થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકોની માંગણી, ચારેયને આખા ગામમાં ફેરવો પોલીસે કહ્યું, કાયદામાં એવી જોગવાઈ નથી…
જ્યારે આરોપીઓને રિ-ક્નસ્ટ્રક્શન માટે ગામમાં લાવવામાં આવ્યા ત્યારે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ પછી તમામે એક જ વાત કહ્યે રાખી હતી કે ચારેય હત્યારાઓને આખા ગામમાં ફેરવો પરંતુ પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે ગામલોકો કહે એટલે વરઘોડો આખા ગામમાં ફેરવવો એવી કાયદામાં કોઈ જ જોગવાઈ નથી. બસ, આ સાંભળતાં જ ગામલોકો વિફર્યા હતા અને જોતજોતામાં પથ્થરનો વરસાદ વરસાવી દીધો હતો !
પરિસ્થિતિ કાબૂમાં છે, પોલીસ વાત કરી રહી હતી ત્યારે જ અચાનક પથ્થરોના ઘા થયા: એસપી
જિલ્લા પોલીસવડા હિમકર સિંહે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થોરિયાળી ગામે થયેલી હત્યાના આરોપીઓને રિ-ક્નસ્ટ્રક્શન માટે પોલીસ ગામમાં લઈ ગઈ ત્યારે મોટી સંખ્યામાં ટોળું ધસી આવ્યું હતું. પોલીસ લોકો સાથે વાત કરી રહી હતી ત્યારે જ અચાનક પથ્થરોના ઘા થવા લાગતાં મામલો બિચક્યો હતો જેના કારણે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે અને સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.