જાળવજો ! આજથી સોમવાર સુધી વાતાવરણ સુકું રહેશે: પાણી પીધાં જ કરજો
ગરમી વખતે રસોઈ કરવાનું ટાળવું, આલ્કોહોલ, ચા-કોફી બિલકુલ ન પીવાં: બહુ પરસેવો વળે, સ્નાયુ-માથામાં દુ:ખાવો થાય તો તુરંજ દવાખાને પહોંચજો
રાજકોટમાં આગઝરતી ગરમી પડવાનું શરૂ થઈ ચૂક્યું છે અને આજથી રવિવાર સુધી વાતાવરણ એકદમ સુકું રહેનાર હોવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતાં મહાપાલિકા દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એકંદરે આ દિવસોમાં ખૂબ જ પાણી પીધાં કરવાની સલાહ અપાઈ છે સાથે સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે આજે તા.૧૨ માર્ચથી ૧૭ માર્ચ સુધી સવારે ૮:૩૦ વાગ્યા સુધી વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ ઉપરાંત અતિશય ગરમી માટે લોકોનું આરોગ્ય ન કથળે તે માટે અમુક સલાહ પણ આપવામાં આવી છે જે પ્રમાણે શક્ય હોય એટલું વધુ પાણી પીવું, મુસાફરી કરતી વખતે પાણી સાથે રાખવું, લીંબુ પાણી, છાશ-લસ્સી સહિતના ઘરે બનાવેલા પીણાં પીવા, બપોરે બહાર હોય ત્યારે મહેનતવાળી પ્રવૃત્તિ ટાળવી, ખુલ્લા પગે બહાર ન નીકળવું, ગરમ વાતાવરણ વચ્ચે રસોઈ કરવાનું ટાળવું, આલ્કોહોલ, ચા-કોફી સહિતના પીણાં ન પીવા, વધુ પ્રોટીનવાળો જેમાં નોનવેજ સહિતનો ખોરાક ન લેવો, પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતું પ્રાણીને એકલા ન રાખવા સહિતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખૂબ પરસેવો વળે, અશક્તિ લાગે અથવા તો સ્નાયુમાં દુ:ખાવો જણાય, માથાનો દુ:ખાવો, ચક્કર આવે, ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જાય તેમજ ઉલટી-ઉબકા થાય તો તુરંત જ નજીકનું દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ૧૦૮નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
