ક્ષત્રિય સમાજ પર નિવેદનનો કાલ સુધીમાં નિવેડો આવી જશે: પાટીલ
આગેવાનો સાથે સુખદ ચર્ચા ચાલી રહ્યાનો દાવો: નિવેદન યોગ્ય છે કે નહીં તેનો કોઈ ફોડ ન પાડ્યો !બહાર'થી આવેલા ઉમેદવાર પ્રત્યે વિરોધ કરવો તે રાજકોટનીતાસીર’ નથી: મોદીને અહીંથી જ જીતાડ્યા હતા
અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ કોંગ્રેસીને ભાજપમાં સામેલ કર્યા સાથે સાથે અનેકને ના પણ પાડવી પડી: ભાજપમાં જોડાયેલા પાંચને ટિકિટ આપવા મામલે નરોવા-કુંજરોવા
લોકસભા ચૂંટણીનો ગરમાવો આમ તો પાછલી ચૂંટણીઓ જેવો જોવા મળી રહ્યો નથી જેનું મુખ્ય કારણ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરવા પાછળનું છે. અત્યાર સુધી ચૂંટણી ભાજપ માટે વન-વે હોય તેવું લાગી રહ્યું પરંતુ રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદને વિવાદનો મધપૂડો છંછેડી નાખ્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતો આખા ગુજરાતમાં પડી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિવાદનો કાલ સુધીમાં ઉકેલ આવી જશે અને અત્યારે ક્ષત્રિય આગેવાનો સાથે સુખદ ચર્ચા ચાલી રહી છે.
જો કે પાટીલે રૂપાલા દ્વારા અપાયેલું આ નિવેદન યોગ્ય છે કે નહીં તેનો કોઈ જ ફોડ પાડવાનું મુનાસીબ માન્યું ન્હોતું. પાટીલને પૂછવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા મુળ અમરેલીના છે અને તેમને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે ત્યારે અહીંના ઘણાખરા લોકોમાં તેઓ આયાતી' હોવાની છાપ ઉપસી રહી છે ત્યારે તેની અસર કેવી પડશે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પાટીલે કહ્યું કેબહાર’થી આવેલા ઉમેદવારો પ્રત્યે વિરોધ કરવો તે રાજકોટની `તાસીર’ રહી નથી અને તેનું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ ધારાસભાની ચૂંટણી રાજકોટની બેઠક પરથી જ લડીને જીત્યા હતા એટલા માટે એ મુદ્દો ચૂંટણીમાં બિલકુલ અસરકર્તા રહેશે નહીં.
ભાજપમાં ચાલી રહેલા ભરતીમેળા અંગે પાટીલે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ કોંગ્રેસીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે ત્યારે એવું નથી કે પક્ષને કોંગ્રેસ નેતાઓની જરૂર છે બલ્કે ભાજપની વિચારધારા સાથે સહમત હોય તેવા કાર્યકરો-નેતાઓ માટે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા જ છે. જો કે ભાજપ દ્વારા ઘણા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને સામેલ કરવાની ના પણ પાડવામાં આવી છે.
તાજેતરમાં જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવાયા તે અંગે પૂછવામાં આવતાં પાટીલે કહ્યું હતું કે તેમને કોઈ પ્રકારની શરત વગર પક્ષમાં સામેલ કરવામાં આવ્યા છે અને ભાજપના કોઈ નેતાની ટિકિટ કાપીને તેમને ટિકિટ અપાઈ નથી.
ડેટા-ટેક્નોલોજીનો સમન્વય' કરીને મતદાર સુધી પહોંચો
સ્વામિનારાયણ મંદિર ખાતે બુથપ્રમુખ સંમેલનને સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે ડેટા અને ટેક્નોલોજીનોસમન્વય’ કરીને મતદાર સુધી પહોંચશું તો વિધાનસભા જેવું જ પરિણામ લોકસભા ચૂંટણીમાં મળશે. ડેટા અને ટેક્નોલોજી એ બન્ને અલગ વસ્તુ છે કેમ કે ટેક્નોલોજી વેચાતી લઈ શકાય છે પરંતુ ડેટા તો આપણે જ એકઠો કરવો પડશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બુથ પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
