4 જાન્યુ.એ રાજકોટમાં સીએમના હસ્તે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ
એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓએ હાજર રહેશે
રાજકોટ : આગામી તા.4 જાન્યુઆરીના રોજ રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાશે, સાંજે 5થી 7 દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી 10 હજાર જેટલા રમતવીરો ભાગ લેનાર હોય જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ખેલ મહાકુંભના આ કાર્યક્રમ માટે 100 એસટી ફાળવવામાં આવી હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ અંગે વિગતો આપતા અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.4 જાન્યુઆરીના રોજ રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડ રેષકોર્ષ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે, વધુમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભે જુદી-જુદી 24 જેટલી રમતોમાં જિલ્લા કક્ષાએ સિલેક્ટ થયેલા ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ આપનાર છે ત્યારે આ ખેલ મહાકુંભમાં રાજકોટ કોર્પોરેશન કક્ષાએ 95867 રજીસ્ટ્રેશન થયા હોવાનું અને રાજકોટ રૂરલમાં 1,90,258 ખેલાડીઓના રજીસ્ટ્રેશન થયા હોવાનું તેમને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં સમગ્ર રાજ્યમાંથી કુલ મળી 67 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને રાજકોટ ખાતે યોજાનાર ખેલ મહાકુંભના પ્રારંભ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 10 હજાર જેટલા લોકો ભાગ લેનાર હોવાનું અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવી ખેલાડીઓ માટે 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું. વધુમાં રાજ્યકક્ષાના આ ખેલ મહાકુંભમાં સેરેબલપાલ્સી તેમજ મનોદીવ્યાંગ ખેલાડીઓ માટે પણ વિશેષ ઇવેન્ટ યોજનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.નોંધનીય છે કે, ખેલ મહાકુંભ 3.0ની ફાઇનલ ઇવેન્ટ માર્ચ-2025માં યોજાનાર છે જેની તારીખ હવે પછી જાહેર થશે.