ભગવતીપરામાં ગૌષીયા કેટરર્સમાંથી પકડાયું વાસી નોનવેજ
જ્યાં સાંજ પડે એટલે લોકોના ટોળાં એકઠા થઈને જ્યાફત ઉડાવે છે ત્યાં ફૂડ શાખાનો દરોડો
શહેરના ભગવતીપરા વિસ્તારમાં મોટાપાયે નોનવેજની દુકાનો તેમજ રેંકડીઓ ધમધમી રહી છે અને સાંજ પડે એટલે અહીં લોકોના ટોળેટોળા જ્યાફત ઉડાવવા માટે જતા હોય છે. આવી જ એક નોનવેજની દુકાન કે જ્યાં દરરોજ રાંધેલા ખોરાકનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે તે ગૌષીયા કેટરર્સમાં મહાપાલિકાની ફૂડ શાખાએ દરોડો પાડીને ચેકિંગ કરતાં પાંચ કિલો વાસી તૈયાર નોનવેજ પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કેટરર્સના સંચાલકને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
બીજી બાજુ ફૂડ શાખા દ્વારા સંતકબીર રોડ વિસ્તારમાં ખાદ્યવસ્તુનું વેચાણ કરતાં ૩૯ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ૧૧ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું તો ૩૯ નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવતાં તેમાં કોઈ ભેળસેળ ન હોવાનું ખુલ્યું હતું. જ્યાં આ કાર્યવાહી કરાઈ તેમાં ઘૂઘરા, છોલેભટુરે, મોમોસ, પાણીપૂરી, દાબેલી સહિતની વાનગીઓની દુકાનો તેમજ રેંકડીઓ સામેલ હતી.