સોમનાથનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે માદક પદાર્થ ઘૂસાડવા માટે નવો માર્ગ
સુત્રાપાડા નજીક દરિયા કાંઠેથી 9 કિલો 900 ગ્રામ ચરસનો જથ્થો કબજે
12 દિવસ પૂર્વે ધામળેજ બંદરપાસેથી પાંચ પેકેટ મળ્યા બાદ બીજો બનાવ
ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસડતા ડ્રગ્સ માફિયાઓએ ગેરકાયદેસર રીતે ચરસ અને ડ્રગ્સ ઘૂસાડવા માટે નવો રસ્તો શોધ્યો છે. કચ્છ વિસ્તરમાં પોલીસ અને કોસ્ટ ગાર્ડનું ચેકિંગ વધતાં સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ચરસના પેકેટઘૂસાડવા નવો માર્ગ અપનાવ્યો છે. કચ્છ બાદ હવે ગીરસોમનાથ જિલ્લામાંથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. 12 દિવસ પૂર્વે ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદરના દરીયા કાંઠેથી ચરસના પાંચ પેકેટનો જથ્થો મળી આવ્યા બાદ આજે વડોદરા ઝાલા ગામના દરિયા કાંઠે ચરસના 9 પેકેટ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ જથ્થાની કીંમત બજારમાં લાખોની હોવાનું જાણવા મળેલ છે. તો ચરસ મળી આવવાના પગલે એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનીક પોલીસની જુદી-જુદી ટીમોએ પંથકના દરીયા કાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરેલ.
ગીર સોમનાથ જીલ્લાના દરીયા કાંઠેથી ઘણા સમય બાદ ફરી મળી આવેલ ચરસના જથ્થાથી પોલીસ સતર્ક બની છે. વડોદરા ઝાલા ગામના માચ્છીમારને આ શકાસ્પદ પેકેટ ધ્યાને આવતા આ અંગેની જાણ પોલીસને કરી હતી.ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચના થી સુત્રાપાડાના પીએસઆઈ સિંધવ સાથે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એ. બી. જાડેજા સાથે સ્ટાફના નરવણસિંહ ગોહિલ,સંજયભાઇ પરમાર,લક્ષ્મણભાઈ મહેતા,જી. એમ.વાઢેર સહિતનો સ્ટાફ વડોદરા ઝાલા ગામે દોડી ગયો હતો. તપાસ હાથ ધરતા પ્લાસ્ટીકમાં વીટોળેલા 1100 ગ્રામની એક એવા 9 પેકેટો કબ્જામાં લઇ તપાસ હાથ ધરતા પેકેટોમાં નશાદાવ્યક ચરસ પદાર્થ હોવાનું જાણવા મળેલ હતું. મળી આવેલા પાંચ પૈકી 9 પેકેટોમાં 9 કિલો અને 900 ગ્રામ ચરસનો જથ્થો હતો. આ ચરસના જથ્થાની કિમત લાખો રૂપીયા થાય છે. પોલીસ આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.
છેલ્લા 12 દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગત તા 17/8ના રોજ સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદરના દરીયા કાંઠેથી રૂ.4.50 લાખના ચરસના પાંચ પેકેટનો જથ્થો આવ્યાનાબાદ સુત્રાપાડાના વડોદરા ઝાલાના દરિયાકાંઠેથી વધુ 9 પેકેટ ચરસ મળી આવતા જણે પગલે સુરક્ષા એજન્સીઓની જુદી-જુદી ટીમોએ સુત્રાપાડા, સોમનાથ, કોડીનાર પંથકના દરીયા કાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક બાદ એક બિનવારસી નશાના પેકેટ મળી આવતા ગુજરાત તેમજ દેશની સુરક્ષા એજન્સીઑ સતર્ક મોડમાં આવી ગઈ છે. અને માછીમાર આગેવાનો સાથે સંકલન કરી તપાસ તેજ કરી છે.