ચાંદી 1,00,000 સાથે રેકોર્ડબ્રેક સ્તરે: સોનીબજારમાં કરોડોના વ્યવહારોને બ્રેક
ગુરુવારે પુષ્યનક્ષત્ર ,એ પહેલાં ગોલ્ડ-સિલ્વર બંને આસમાને આંબી જતા ગ્રાહકો અને ઝવેરીઓ અવઢવમાં:સોનુ પણ 80,000ને પાર
દિવાળીના તહેવાર પહેલા સોનાની સાથે ચાંદીનો ચળકાટ સપ્તાહ પ્રારંભથી જોવા મળ્યો હતો. ચાંદી રેકોર્ડ બ્રેક ભાવ 1,00,000 ને પાર કરી ગઈ છે. ગોલ્ડ અને સિલ્વર બંને ધાતુ તહેવારો પૂર્વે આસમાને આંબી જતા ઝવેરીઓ અને ખરીદાદારો બંને માટે મુંઝવણ ઉભી થઇ ગઇ છે.
વર્ષ 2024 માં સોનાના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યા બાદ હવે ચાંદીએ પણ આગેકુચ જાળવી રાખી છે. બંને કીમતી ધાતુ દરરોજ ઉચા ભાવે પહોંચી રહ્યું છે. ગયા સપ્તાહમાં જ સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું અનુમાન બુલિયનના વેપારીઓએ વ્યક્ત કર્યુ હતો કારણકે શુક્રવારે સોનુ સર્વોચ્ચ સપાટીએ બંધ થયું હતું. દિવાળી નો તહેવાર અને ત્યારબાદ લગ્નની મોસમ શરૂ થતી હોવાથી સોનુ અને ખરીદતા પહેલા લોકોને વિચાર કરવો પડશે તે રીતે ભાવ આગળ વધી રહ્યા છે.
રાજકોટમાં હાજર સ્ટોકમાં ચાંદીનો ભાવ 1,00,695 નોંધાયા હતા જ્યારે ચાંદી ચોરસામાં 98000 હજાર પહોંચી હતી જ્યારે કોમોડિટી એક્સચેન્જમાં 2500ના ઉછાળા સાથે 97,000 નોંધાય છે. સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 600 રૂપિયા જેટલો વધ્યો હતો.
સોનાના ભાવમાં પણ 80,000 ને પાર કરી બંધ માર્કેટ 80,772 નોંધાયા હતા.
ગુરુવારે ગુરુપુષ્યનક્ષત્ર હોય આ મુહૂર્ત પર લોકો સોના ચાંદીની ખરીદીને મહત્વ આપે છે. પરંતુ અત્યારે બજારની પરિસ્થિતિ જોતા હવે ઝવેરીઓ પણ ચિંતામાં મુકાયા છે કે ગુરુવારે શુકનવંતી ખરીદી રહેશે કે કેમ..? ચાંદીના ભાવ લગાતાર ઐતિહાસિક સપાટીએ પહોંચતા ની સાથે જ સ્થાનિક બજારમાં હોલસેલમાં ચાંદીની ખરીદી અટકી ગઈ છે અને કરોડો રૂપિયાનું પેમેન્ટ હાલ પૂરતું અટવાઈ ગયું છે. સોની બજારના જાણકારોના જણાવ્યા અનુસાર 12 વર્ષ પહેલા ચાંદીના ભાવ 91,000 ની સપાટીએ પહોંચ્યા હતા એને પણ વટાવી એક લાખએ પહોંચી જતા રાજકોટની સોની બજારમાં કરોડોના વ્યવહારોને બ્રેક લાગી ગઈ છે.