ગરીબો ભારે પડે છે ! દાળ-ચણામાં કાપ મુકાતા દુકાનદારો ફસાયા
ફાળવણીમાં કાપ મુદ્દે રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા પુરવઠા અધિકારીને રજુઆત
રાજકોટ : આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકારે ગરીબ જનતાને મફત અનાજ -ચોખા આપવાનું વચન આપ્યું છે પરંતુ આ વચન હવે ગુજરાત સરકારને ભારે પડી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, સરકારના મફત અનાજ સામે ગુજરાત સરકાર રેશનકાર્ડ ધારકોને ખાંડ,તુવેરદાળ અને ચણા રાહતભાવે આપે છે. પરંતુ છેલ્લા મહિનાઓથી ઘઉં -ચોખાની ફાળવણી વિલંબથી આવવાની સાથે દાળ અને ચણામાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવતા ગરીબ રેશનકાર્ડ ધારકો સાથે થતા સંઘર્ષ મામલે બુધવારે રાજકોટના સસ્તા અનાજના વેપારીઓએ રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના નેજા હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરી હતી.
રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ માવજીભાઈ રાખશીયા અને મહામંત્રી હિતુભા જાડેજાએ જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 17000 સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024 નાં મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેરદાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાત રાજ્યના 75 લાખ 26 હજાર 123 રાશનકાર્ડ ધારકો માંથી અડધો અડધ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે અને આ ફક્ત ડિસેમ્બર 2024 ના માસ માટે જ નથી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે કોઈક મહિનો તુવેરદાળ તો કોઈક મહિનો ખાંડ તો કોઈક મહિનો ચણા જેવી વિવિધ જણસીઓથી રાશનકાર્ડ ધારકો ને વંચિત રહેવું પડે છે.
વધુમાં દર પેહલી તારીખે આયોજન વગર સોશિયલ મીડિયા અને વિવિધ અખબારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોના કારણે આવી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે તુવેર દાળ, ચણા અને ક્યારેક ખાંડ જેવી વિવિધ જણસીઓને કોઈ મહિના માટે 50% ફાળવણી કરવામાં આવે છે ત્યારે વિતરણના કોઈ ધારા ધોરણો નક્કી કરવામાં આવતા નથી હોતા પરિણામે દુકાનદારો દ્વારા વહેલા તે પહેલા ના ધોરણે આવી જણસીઓનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વિવિધ જણસીઓથી વંચિત રહેલા ગ્રાહકોના રોષનો ભોગ સસ્તા અનાજના દુકાનદારો બને છે.
વધુમાં સસ્તા અનાજના વેપારીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે ક્યારેય પણ સમયસર જથ્થો પહોંચતો કરવામાં આવતો નથી મહિનાના પંદરથી 20 દિવસ અને ક્યારેક તો 25 ,26 ,કે 27 માં દિવસે અમુક દુકાને જથ્થો પહોંચતો કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન રાશનકાર્ડ ધારકો ને દરરોજ દુકાનના ધક્કા ખાવા પડે છે પરિણામે રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઝઘડા થાય છે. જેથી રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારોની મુશ્કેલીઓનો તત્કાલ યોગ્ય નિવેડો લાવવા રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી.
