150 કરોડના ખર્ચે બનશે શિતુલ મંજુ પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ: મુખ્યમંત્રીનાં હસ્તે ભૂમિપૂજન
હવે રાજકોટમાં લીવર,હૃદય,ફેફસા અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે
21 વર્ષથી કિડનીના દર્દીઓને સારવાર આપતી સવાણી કિડની હોસ્પિટલ દ્વારા એક જ હોસ્પિટલમાં અન્ય બીમારીમાં રાહત દરે સારવાર મળી રહે તે માટેનો આરોગ્યયજ્ઞ
મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. ૧૨ માળની આ હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બી.ટી.સવાણી હોસ્પિટલના ચેરમેન જયંતિભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન યોજના લોકો માટે વરદાનરૂપ બની રહી છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીડો. વિવેક જોશીએ નિર્માણાધિન શિતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેને પુરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે ૧૨ એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં, રોબોટીકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પુરી પાડવામાં આવશે. વિવિધ પ્રકારની ઓપીડી માટે લગભગ ૩૦ જેટલા કન્સલ્ટિંગ રૂમ અને વેઇટિંગ માટે વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ કેમ્પસ ગ્રીન અને સસ્ટેઇનેબલ બની રહે તે માટે સોલાર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પાંચ માળના પાર્કીંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણીઓ ડો. ભરત બોઘરા, મૌલેશભાઈ ઉકાણી, કલેકટર પ્રભવ જોશી, હોસ્પિટલના ટ્રસ્ટીઓ, સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ ઉદ્યોગપતિએ સદગત પુત્રની સ્મૃતિમાં 20 કરોડનું દાન આપ્યું
ઉદ્યોગપતિ ધીરજભાઈ પટેલએ તેમના પુત્ર શિતુલની સ્મૃતિમાં સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ આધુનિક મેડિકલ સારવાર મળી રહે તે માટે વિથ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે આ ઉપરાંત જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહજાડેજા, સિમ્પોલો સીરામીકના જીતેન્દ્રભાઈ અઘારા, રોલેક્સ રિંગ ના રૂપેશભાઈ અને મનીષભાઈ મદેકાએ સૌરાષ્ટ્રના દર્દીઓને ઘર આંગણે કિડની ઉપરાંત હૃદય,લીવર, ફેફસા સહિતની સારવાર મળી રહે તે માટે પાંચ કરોડનું અનુદાન કર્યું છે.