ગબ્બર ઇઝ બેક…: પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે શંકરસિંહ બાપુ ફરી મેદાને
22મી ડિસેમ્બરે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું પ્રથમ અધિવેશન મળશે : વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવી રણનીતિ
રાજકોટ : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેવા સમયે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર ખાતે મળેલ સ્નેહમિલનમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકીય મેદાનમાં આવી રહયા હોવાનું જાહેર કર્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હજુ ખાસ્સો સમય બાકી છે તેવા સમયે જ બાપુએ ખાંડા ખખડાવી સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનું જાહેર કરતા જ હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાથે બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીમાં ચોપાંખિયો જંગ જામશે તે નિશ્ચિત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હજુ ત્રણ વર્ષનો સમયગાળો બાકી છે છતાં રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે.ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં સક્રિય બન્યા હોય તેવા સંકેતો આજે તેઓએ ગાંધીનગરથી આપ્યા છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતમાં સક્રિય રાજકારણમાં આવી રહયા છે. આગામી તા.22 ડિસેમ્બરના રોજ પાર્ટીનું પ્રથમ અધિવેશન અડાલજ ખાતે યોજાશે જેમાં પાર્ટીની રણનીતિ નક્કી કરવામાં આવશે.
વધુમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નવો પક્ષ નથી વર્ષ 2021માં પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે અને આગામી 22 ડિસેમ્બરે મળનાર પ્રથમ અધિવેશનમાં પાર્ટીના હોદેદારોની નિમણુંક સાથે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી લડવી કે નહીં તે સહિતની બાબતો અંગે નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ઇલેક્શન સમયે ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા ચૂંટણી મેદાનમાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણી વખતે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહયા હોવાની પણ વાત હતી જો કે, બાપુ અડીખમ રહયા હતા અને એક પણ પક્ષ સાથે જોડાયા ન હતા. ખાસ કરીને તેઓ રાજકારણમાં સક્રિય ન હોવા છતાં ગુજરાતમાં દારૂબંધી હટાવવી અને શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ તેમની અગ્રતામાં હોવાથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ બાપુના આ એજન્ડા સાથે મેદાનમાં ઉતરી ગુજરાતના રાજકારણમાં સક્રિય બની આગામી વિધાનસભા ચૂંટણી સમયે સતાધારી પક્ષને મજબૂત લડત આપવા અત્યારથી જ કમર કસવા સજ્જ બન્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.