કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાત યુવાનોને એરલિફ્ટ કરાશે
રાજકોટ, જામકંડોરણા અને ગોંડલના યુવાનોનો સેટેલાઇટ ફોનથી સંપર્ક કરાયો
રાજકોટ : ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે ત્યારે રાજકોટથી કેદારનાથ યાત્રાએ ગયેલા રાજકોટ જિલ્લાના સાત યુવાનોનો સંપર્ક ન થઇ શકતો હોય યુવાનોના પરિજનો દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં જાણ કરવામાં આવ્યા બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરને જાણ કરવામાં આવતા ગણતરીની ક્લાકોમાં જ આ સાતેય યુવાનોનો સેટેલાઇટ ફોનથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાતેય યુવાન સલામત હોવાનું તેમજ એરલિફ્ટ કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ છે.
રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તારમાંમોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના વતની પારસભાઈ દોંગા, અંકિત ગોયાની, રાજકોટના કલ્પેશભાઈ સંચણિયા,જીગ્નેશ ભાઈ સંચણિયા, યતીન ભાઈ મકવાણા, કમલેશ ભારડીયા અને ગોંડલના કેતન રાણપરા કેદારનાથયાત્રાએ ગયા બાદ ગત તા.31થી તેઓનો સંપર્ક થઇ શકતો ન હોવાનું તેમના સંબંધી હાર્દિકભાઈ ભટ્ટીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં જાણ કરતાં આ મામલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરવામાં આવી હતી.
બીજી તરફ રાજ્ય સરકાર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી રાજકોટ જિલ્લાના સાતેય યુવાનોની ભાળ મેળવવા કાર્યવાહી કરવામાં આવી હતી અને સેટેલાઇટ ફોન મારફતે કેદારનાથ યાત્રાએ ગયેલા યુવાનોનો સંપર્ક કરવામાં આવતા સાતેય યુવાનો હેમખેમ હોવાનું અને તમામ યુવાનોને વહેલામાં વહેલી તકે એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું.