નીલસિટી ક્લબમાં એન્ટ્રી બાબતે બે બળિયા જૂથ વચ્ચે માથકૂટ બાદ સમાધાન
એકાદ કલાક સુધી વાતાવરણ તંગ બન્યા બાદ પોલીસ અધિકારીઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પડયો
નીલસિટી ક્લબમાં એન્ટ્રી બાબતે બે જૂથ વચ્ચે માથકૂટ થઈ હતી આ મામલો ઉગ્ર બને અને મોટુ સ્વરૂપ મળે તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડી સમાધાનની ભૂમિકા ભજવી હતી.
નિલસિટી ક્લબના ડાંડિયારાસમાં ભાજપના અગ્રણી વિક્રમ ખીમાણીયાનો પુત્ર તેના મિત્ર સાથે નિલસીટી ક્લબે પહોંચ્યો હતો અને ડેઈલી પાસ ખરીદવા જતા કોઈ કારણ સર બબાલ થઈ હતી અને વિક્રમ ખીમાણીયાના પુત્રએ પાસ માટે જીદ કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને આયોજક કમિટીના સભ્ય અને હાજર બાઉન્સર સાથે હાથપાઈ થતાં ધોલધપાટ કરી લીધાની ચર્ચા છે. બનાવ બાદ વિક્રમ ખીમાણીયાના પુત્રએ ફોન કરતાં તેના મિત્રો સહિતનું ટોળુ પણ રાત્રે નીલસિટી ક્લબ ખાતે પહોંચી જતા મામલો ઉગ્ર બન્યો હતો. નિલસીટી ક્લબના ગેઈટ પાસે લગભગ એકાદ કલાક સુધી વાતાવરણ તંગ રહ્યું હતું. બીજી તરફ મામલાની જાણ પોલીસને જાણ થતા મોડીરાત્રે જ ડી.સી.પી. અને એસીપી સહિતના અધિકારીઓ સાથે નિલસીટી ક્લબે દોડી ગયા હતા, આ મામલે બન્ને જૂથે એક બીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયારી દર્શાવી હતી પરંતુ પોલીસે મધ્યસ્થી કરી બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
