એસ.એન.કે.ની સ્કૂલબસમાં સિનિયર છાત્રાઓએ જુનિયરની કરી “ધોલાઈ”
ધો.6માં અભ્યાસ કરતી 3 બાળાઓને ધો.11ની 3 સિનિયર વિદ્યાર્થીનીઓ 2 મહિનાથી વાળ પકડી માર મારતી હોવાની ફરિયાદ: મેનેજમેન્ટએ પગલા ન લેતાં આખરે મામલો પહોંચ્યો પોલીસ સુધી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ
રાજકોટમાં આવેલી ધી ગેલેક્સી એજ્યુકેશન સંચાલિત સ્કૂલની ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ બસમાં સિનિયર વિદ્યાર્થીનીઓએ પજવણી બાદ મારામારી પર ઉતરી આવતા આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ બનાવને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો પણ એસએનકે મેઇન સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ બોલાવવી પડી હતી.
આ ઘટનાનો ભોગ બનેલી વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ સંચાલિત અને આકાશવાણી ચોકમાં આવેલી એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતી તેની પુત્રી ખુશ્બૂ અને તેની અન્ય 2 કલાસમેટને સ્કૂલ બસમાં આવતી સિનિયર હેરાન કરી રહી હતી,આથી આ અંગેની અનેક રજૂઆત બાદ પણ શાળાના સંચાલકોએ ધ્યાન આપ્યું ન હતું. ગત શુક્રવારે ફરી બસમાં મારઝૂડ અને વાળ ખેંચતા મામલો બીચકયો હતો.
સોમવારે પીડિત વિદ્યાર્થીની તેના પેરેન્ટ્સ સાથે પોલીસ પાસે પહોંચી સ્કૂલબસમાં સાથે આવતી ધોરણ 11 માં અભ્યાસ કરતી આયુષી,શ્રુતિ, વિદિશા નામની ત્રણ વિદ્યાર્થીનીઓ સામે ફરિયાદ લઈ આવી હતી,જેમાં આ પીડિત વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી કે છેલ્લા બે મહિનાથી તેની સાથે બસમાં આવતી તેની સિનિયર છાત્રાઓ તેને હેરાન કરે છે, મારામારી પણ કરતી હોવાથી આ અંગેની રજૂઆત શાળાના એચ.આર. ડીપાર્ટમેન્ટ અને એડમીનમાં પણ કરવામાં આવી હતી તેમ છતાં સ્કૂલના સંચાલકોએ આ ઘટનામાં કોઈપણ પગલાં ન લેતા આ બાળકીએ તેના માતા પિતા સમક્ષ આખી વાત જણાવી હતી.
ગત શુક્રવારે આ છાત્રા તેના ઘર પાસે ભક્તિનગર વિસ્તારમાં જ્યારે બસમાંથી ઉતરી ત્યારે તેની સાથે રહેલી આ સિનિયર વિદ્યાર્થીનીઓ પણ આ જ વિસ્તારમાં ઉતરીને ખુશ્બુ અને તેની સહેલીઓને ધમકાવી તેના વાળ પકડીને માર્યો હતો જ્યારે આ વાતની જાણ થતા ખુશ્બુના મમ્મી પપ્પાએ આ સિનિયર વિદ્યાર્થીનીઓને ટોકતા તેના પરિવારજનો અને આ છાત્રાઓએ ખુશ્બુના મમ્મી સાથે પણ મારા મારી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ખુશ્બુ એ રજૂઆતમાં જણાવ્યું કે બે મહિનાથી હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હોવા છતાં પણ સંચાલકો દ્વારા અમે ન્યાય આપવામાં આવ્યો ન હતો આથી પીડીત વિદ્યાર્થીની અને તેના વાલી પોલીસ સ્ટેશન એ પહોંચ્યા હતા. આ ઉપરાંત વાલીઓએ ધ ગેલેક્સી એજ્યુકેશન સ્કૂલ વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી પગલા લેવા માંગ કરી છે.જાણવા મળતી વિગત મુજબ આ બાળકીઓએ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.
સિનિયર છાત્રાઓની સામે પગલા લેવાના બદલે સંચાલકોએ ‘બસ’બદલી આપી..!!
ઘણી વખત આવી ઘટના મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, બે મહિનાથી સિનિયર વિદ્યાર્થીનીઓની પજવણીથી પીડિત બાળકીઓને સ્કૂલબસ બદલી આપીશુ તેવી હૈયા ધારણા આપી છે. આ બાળકીના પિતાએ જણાવ્યું કે, સંચાલકોએ અમારી દીકરીઓને હેરાન કરતી અનેં તેનાથી નાની વિદ્યાર્થીનીઓ સામે દાદાગીરી કરી ધમકી આપતી આ વિદ્યાર્થીનીઓ સામે યોગ્ય પગલાં ભરવાના બદલે અત્યારે તો અમને ફોન કરીને તમારી દીકરીને સ્કૂલ બદલાવી આપીશું તેવું જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીઓનાં પિતા વચ્ચે પણ ‘ફડાકાવાળી’..!!
ગત 25 મીએ ભક્તિનગર વિસ્તારમાં આ બંને વિદ્યાર્થીનીના પિતા વચ્ચે આ ઘટનાને લઈને ઝઘડો થયો હતો અને બંને એકબીજાને ફડાકા પણ ખેંચી લીધા હતા, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે બંને વિદ્યાર્થીનીઓના પિતાએ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું, ફરી સોમવારે આ મામલો ગરમાયો છે ત્યારે આગામી દિવસોમાં સામસામે ફરિયાદ નોંધાય તેવી શક્યતા પોલીસે દર્શાવી હતી, આ ઉપરાંત સ્કૂલ બસમાં બંને છાત્રાઓ વચ્ચે જે ઘટના બની તે આકાશવાણી ચોકથી લઈ કોટેચા ચોક સુધીના વિસ્તારમાં બની હોવાથી એ ઘટનાને ફરિયાદ પણ અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાય તેવી સંભાવના છે.